સ્ત્રીભ્રૂણ હત્યાની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારનું પગલું
જે દંપતીને સંતાનમાં ત્રીજી બાળકી હશે તો તેમને રેશન સહિતના વિવિધ પ્રકારના લાભો આપવા અંગે વિચારણા
સરકાર છેલ્લાં ચાર વર્ષથી ચાલતી ‘અમે બે અમારા બે’ની ઝુંબેશમાં થોડો ફેરફાર કરવાનો વિચાર કરે છે. સ્ત્રીભ્રૂણ હત્યાનું વધતું જતું પ્રમાણ અને છેવટે તેને કારણે છોકરીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને ત્રીજું સંતાન છોકરી હશે તો તેને અને છોકરીના કુટુંબને નિયમ પ્રમાણે તમામ સગવડ- સુવિધા આપવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
છોકરી એટલે પારકું ધન, સાપનો ભારો, મા-બાપના માથા પરનો ભાર તથા છોકરો એટલે વંશનો દીવો એવી વિચારસરણીને પગલે દેશભરમાં સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થતો જતો હોવાનું છેલ્લી વસતિ ગણતરીથી ધ્યાનમાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં દરેક એક હજાર પુરુષોની સામે ફક્ત ૯૧૪ મહિલા એવું પ્રમાણ છે. અનેક ઠેકાણે છોકરીનો જન્મ થવા પહેલાં જ તેની હત્યા કરવામાં આવે છે. આ ગહન સમસ્યાને રોકવા માટે રાજ્ય સરકાર તેમ જ કેન્દ્ર સરકાર પગલાં તો ભરે છે પણ તેને અપેક્ષિત સફળતા મળતી નથી. તેથી સરકારે ‘હમ દો હમારે દો’ની સુપરહિટ ઝુંબેશમાં સમય પ્રમાણે ફેરબદલ કરવા નિધૉયું છે.
આજે ત્રણ સંતાન હોય તેવી વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઊતરી શકતી નથી. ત્રીજા છોકરાને રેશનનો લાભ આપવામાં આવતો નથી. જોકે જે દંપતીને સંતાનમાં ત્રીજી બાળકી હશે તો તેમને આ પ્રકારના નિયમોમાંથી દૂર કરવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. તેથી ત્રીજી છોકરી-સંતાનને રેશનના લાભ આપવામાં આવશે.
છોકરીનાં માતા કે પિતાને ચૂંટણી લડવી હશે તો તેમને અટકાવાશે નહીં, રાજ્યના પ્રધાનમંડળે આ દરખાસ્ત પર એક વાર મહોર માર્યા બાદ કાયદામાં જરૂરી ફેરબદલ કરવામાં આવશે, એવી જાણકારી જયેષ્ઠ અધિકારીએ આપી હતી. જોકે આ નિર્ણય કરતી વખતે સિક્કાની બે બાજુ ચકાસવી પડશે. વસતિ વધારા પર નિયંત્રણ રાખવા માટે ‘અમે બે અમારા બે’ ઝુંબેશ મહત્વની છે. વળી સમાનતાની ભાષા બોલનારી સરકાર જ હવે છોકરા-છોકરીમાં ભેદ કરે છે, એવો સવાલ પણ ઉપસ્થિત થાય છે.