- નિલંબિત ધારાસભ્યો પર દેશના બંધારણની નકલ પગ તળે રગદોળવાનો આરોપ મુકાયો
વિધાનસભામાં ગેરવર્તન બદલ શિવસેનાના પાંચ ધારાસભ્યોને આખા વર્ષ માટે ગૃહની કાર્યવાહીમાંથી નિલંબિત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. ગુરુવારે સંસદીય બાબતોના પ્રધાન હર્ષવર્ધન પાટીલે સભાગૃહમાં શિવસેનાના સંજય રાઠોડ, અભિજિત અડસૂળ, આશિષ જયસ્વાલ, રવીન્દ્ર વાઈકર અને શરદ પાટીલને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. આ નિલંબિત ધારાસભ્યોએ દેશના બંધારણની નકલ પગ તળે રગદોળી હોવાનો આરોપ પણ મુકાયો હતો.
ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચા હાથ ધરવા અને માવઠાં-કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તાકીદે મદદ જાહેર કરવાની માગણી લઈને આક્રમક બનેલા વિરોધ પક્ષના સભ્યોની ધાંધલને પગલે વિધાનમંડળનાં બન્ને ગૃહોનું કામકાજ પ્રથમ દિવસે (બુધવારે) વારંવાર મુલતવી રાખવું પડ્યું હતું.
આ ધાંધલ દરમિયાન સભાપતિ (સ્પીકર)નો રાજદંડ ઉઠાવવાની ગુસ્તાખી બદલ શિવસેનાના ધારાસભ્ય સંજય રાઠોડને બુધવારે આ સત્ર પૂરતા સસ્પેન્ડ કરાયા હતા. એ વખતે ધમાલ કરનારા ત્રણ શિવસૈનિક ધારાસભ્યો પર કાર્યવાહીની તલવાર લટકતી હતી. ગુરુવારે કુલ પાંચ ધારાસભ્યોને અડફેટમાં લેવાયા. તેમાં સંજય રાઠોડનું નિલંબન આ ‘સત્ર’થી લંબાવીને એક વર્ષ માટે કરવામાં આવ્યું હતું અને અન્ય ચારને પણ એ રીતે સસ્પેન્ડ કરાયા હતા.
વિધાન મંડળના સત્રના પ્રથમ દિવસ બુધવારે ખેડૂતોના પ્રશ્નો પર વિરોધ પક્ષોએ શોરબકોર મચાવ્યો. વિધાનસભામાં સ્પીકરે નવા પ્રધાનોના પરિચયની વિધિ પૂરી કરીને પ્રશ્નોત્તરનો કલાક જાહેર કર્યો એ સાથે જ વિરોધ પક્ષોના સભ્યોએ કમોસમી વરસાદથી ફળ-ફૂલના બગીચા તેમ જ ખેતીને થયેલા નુકસાન તરફ ધ્યાન દોરવા હાહાકાર મચાવ્યો હતો. વપિક્ષી સભ્યોએ બેનર્સ-પોસ્ટર્સ હાથમાં લઈને સ્પીકરની ખુરશી પાસે જ જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો.
સેના-ભાજપ સહિત અન્ય પક્ષોના સભ્યોની ધાંધલ વચ્ચે સરકારી-શાસકીય ખરડા તેમ જ પૂરક માગણીઓ રજૂ કરાયાં હતાં. દરમિયાન શિવસેનાના ધારાસભ્યો સંજય રાઠોડ, અભિજિત અડસુળ, આશિષ જયસ્વાલ, રવીન્દ્ર વાઈકર વગેરે સ્પીકરના આસન સામેના મંચ પર ચઢી ગયા હતા. તેમાંથી કેટલાક સભ્યોએ વિધાનમંડળના સચિવ અનંત કળસેના ટેબલ પરનાં પુસ્તકો અને ફાઈલો ફેંકવા માંડ્યાં હતાં. સેનાના સંજય રાઠોડે સ્પીકરનો પરંપરાગત રાજદંડ ઉપાડી લીધો હતો, જે ખાસ્સો વખત તેમની પાસે રહ્યો. વપિક્ષી સભ્યોનો પાછા વાળવા કેટલાક સત્તાધારી સભ્યો પણ મંચ પર ચઢ્યા હતા.