કેમેરાની સામે ‘ટોપી કાંડ’ થતું રોકવા માટે નરેન્દ્ર મોદી સન્માનને પાત્ર
શિવસેનાએ આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુસ્લિમ ટોપી નહીં પહેરવા માટે વખાણ કર્યા છે. શિવસેનાએ આજે પોતાના મુખપત્ર સામનામાં ઉલ્લેખ કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન દરમિયાન મુસ્લિમ ટોપી ન પહેરીને પોતાની જાતને ‘ટોપી કાંડ’માંથી બચાવી લીધા છે.
-મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુસ્લિમ ટોપી નહીં પહેરવા માટે વખાણ કર્યા
-મુસ્લિમ ટોપી ન પહેરીને પોતાની જાતને ‘ટોપી કાંડ’માંથી બચાવી લીધા
-કેમેરાની સામે ‘ટોપી કાંડ’ થતું રોકવા માટે તે સન્માનને પાત્ર
આજે શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે કે, “ એક ઇમામે સ્ટેજ પર આવીને મોદીને મુસ્લિમ ટોપી પહેરવાની અપીલ કરી હતી, જોકે મોદીએ તે પહેરવાની ના પાડી દીધી હતી. કેમેરાની સામે ‘ટોપી કાંડ’ થતું રોકવા માટે તે સન્માનને પાત્ર છે.” બીજી બાજુ આ જ લેખમાં કોંગ્રેસી નેતાઓની લઘુમતી સમુદાયના તૃષ્ટિકરણની નીતિની ઝાટકણી કાઢવામાં આવી છે.
આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં મુસ્લિમોને ખુશ કરવા માટે આ પ્રકારે બિનસાંપ્રદાયિતા બતાવવાની કોઇ જરૂર નથી. ઉપરાંત લેખમાં ઇફ્તાર પાર્ટી દરમિયાન કોંગ્રેસી નેતાઓની મુસ્લિમ ટોપી પહેરવા માટે ઝાટકણી કાઢવામાં આવી છે.
જોકે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે શિવસેના આજે ‘ટોપી’ પ્રકરણ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહી છે ત્યારે માત્ર બે દિવસ પહેલા જ તેમણે મોદીની બિનસાંપ્રદાયિક છબી ઉપસાવવા બદલ ટીકા કરી હતી. પાર્ટીએ જણાવ્યું હતું કે મોદીએ હિંદુ વોટ બેન્ક થકી જ સત્તા પ્રાપ્ત કરી છે અને દિલ્હીની ગાદી પ્રાપ્ત કરવા માટે મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ અપનાવવાની કોઇ જરૂર નથી. શિવસેનાએ એ પણ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી આજે જે કઇ પણ છે તે માત્ર હિંદુ વોટ બેન્ક થકી જ છે.