- સુરક્ષા પાછળ જ 10.87 કરોડનો ખર્ચ, ખાસ જેલ માટે 5.29 કરોડ ખર્ચાયા
- કસાબ મુંબઇ પરના આતંકવાદી હુમલાનો એકમાત્ર જીવિત આતંકવાદી છે
મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાની ત્રીજી તિથિ પર જો તમને એ ખબર પડે કે રાજ્ય સરકાર આ હુમલાના એકમાત્ર જીવિત આરોપી અજમલ આમિર કસાબ પર અત્યારસુધીમાં 16 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે તો તમને કેવું લાગશે? હા, મહારાષ્ટ્ર સરકારે કસાબ માટે સ્પેશિયલ સેલ બનાવવા, તેના સ્વાસ્થ્ય સુવિધાઓની વ્યવસ્થા અને સુરક્ષા પાછળ અત્યારસુધીમાં કુલ રૂપિયા 16.17 કરોડ ખર્ચી નાંખ્યા છે.
હાલમાં કસાબ મુંબઇની આર્થર રોડ જેલમાં છે. જ્યાં તેના માટે સ્પેશિયલ સેલ બનાવાયો છે. અન્ય સુરક્ષાવ્યવસ્થા ઉપરાંત તેની સુરક્ષા માટે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) પણ તૈનાત કરાઇ છે. તેના ખાવા-પીવા અને આરોગ્યલક્ષી સુવિધાઓનું ખાસ ધ્યાન રખાય છે. આટલું તો ઠીક પરંતુ સરકારે તેને ઉપલબ્ધ કરાવેલા વકીલ અને તેની ટીમનો ખર્ચો તો અલગથી ગણવાનો. આ ખર્ચનો કુલ 16.17 કરોડ રૂપિયામાં સમાવેશ નથી થતો.
મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીએ કહ્યું કે "કસાબની સુરક્ષા મુખ્ય મુદ્દો છે. અમે હજુ તેને આવી જ રીતે ટ્રીટમેન્ટ આપતાં રહીશું અને તેમાં હાલમાં કોઇ બદલાવ નથી થયો.2008થી લઇને આજસુધીમાં તેના આરોગ્ય પાછળ 26 હજાર 953 રૂપિયા ખર્ચાયા છે. "
26 નવેમ્બર, 2008ના રોજ મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. પોલીસે 10 પૈકીના 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા જ્યારે એકમાત્ર કસાબ જીવતો પકડાઇ ગયો હતો. સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાલેલા કેસમાં કસાબને ફાંસીની સજા ફટકારાઇ હતી. હાઇકોર્ટે 21 ફેબ્રુઆરી, 2011ના રોજ સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો.
શું કસાબ પાછળ કરાયેલો આટલો ખર્ચો યોગ્ય છે? તમે આ અંગે શું માનો છો? નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.