૨૦૦૦ની સાલમાં કિલન્ટન મુંબઇ આવેલા ત્યારે અમેરિકી સિક્રેટ સર્વિસની મહિલા ઓફિસરને એરપોર્ટ પર થયેલા અનુભવની રોમાંચક કહાણી
‘અરે ભાઇ, તેં તો આજે કમાલ કરી દીધી,’ ન્યૂયોર્કથી મારી સાથે કામ કરવા આવેલી અમેરિકાના વિદેશ ખાતાની એક સિનિયર મહિલા ઓફિસર જોડેલ શિલ્ડ્સ મને ખૂબ એક્સાઇટ થઈને કહેતી હતી. મેં એની સામે પ્રશ્નાર્થક ચહેરા સાથે જોયું તો એ બોલી, ‘તને ખબર છે તારા કારણે આજે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટનનું ખાસ વિમાન એરફોર્સ વન મુંબઈ એરપોર્ટ ઉતરી શક્યું છે.’
એ સાંભળીને મને નવાઇ લાગી ત્યારે જોડેલે આખી વાત મને સમજાવી. એમાં એમ થયું કે અમેરિકાના વડા બિલ ક્લિન્ટન જ્યારે ૨૦૦૦ના માર્ચ મહિનામાં ભારતના સત્તાવાર મુલાકાત આવ્યા હતા ત્યારે હું મારી મીડિયાની કેરિયરમાંથી બ્રેક લઇને અમેરિકન કોન્સુલેટની મુંબઇ ઓફિસમાં મુખ્ય પ્રેસ ઓફિસર તરીકે જોડાયો હતો અને એમની ૨૪મી માર્ચની મુંબઇની મુલાકાત દરમિયાન મારી ડ્યુટી જોડેલ સાથે મુંબઇ એરપોર્ટ ખાતે પ્રેસ કવરેજનું કામકાજ જોવા માટે લગાડવામાં આવી હતી. ક્લિન્ટન એમનું ખાસ વિમાન જેને ‘એરફોર્સ વન’ કહેવામાં આવે છે એમાં મુંબઇમાં ૨૪મી માર્ચની બપોરે પધારવાના હતા અને બીજે દિવસે સવારે સીધા પાકિસ્તાન જવા ઉપડવાના હતા.
એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત બહુ જ કડક હતો અને મુંબઇના અને અમેરિકાથી આવેલા જથ્થાબંધ સુરક્ષા અધિકારીઓ અને ગાર્ડ્સે આખા વિમાનીમથક એરિયાને એક મજબૂત ગઢમાં ફેરવી નાખ્યો હતો. છતાં મુલાકાતના દિવસે ચારે તરફ કન્ફ્યુજનનો જ માહોલ હતો એનું કારણ વધારો પડતું પ્લાનિંગ, સૂચનાઓની ભરમાર અને અમેરિકન અને ભારતીય આયોજન પદ્ધતિમાં રહેલો મોટો તફાવત. ક્લિન્ટનનું વિમાન મુંબઇમાં ઉતરવાના એક કલાક પહેલાં એક વિચિત્ર બનાવ બન્યો. જોડેલ અને હું એ વખતે વિમાનીમથકના મેઇનગેટ બહાર પ્રેસ ફોટોગ્રાફર્સને સિકયુરિટી ચેક કરાવીને અંદર મોકલવામાં મદદ કરતા હતા ત્યાં અચાનક ઇંગ્લિશ પિકચરોમાં બતાવે છે તેવા અમેરિકાના ઊંચા અને તગડા સિક્રેટ સર્વિસના સુરક્ષા રક્ષકોની એક ટીમ અમારી પાસે આવી.
એમાંના એકે જોડેલને કહ્યું અમારે બધાને ક્લિન્ટનનું વિમાન આવે એ પહેલાં અંદર ટારમાક (રન-વે પાસેની જગ્યા) પર જઇને ઊભા રહેવું ખૂબ જ અગત્યનું છે. એમને વધુમાં કહ્યું અમારી પાસે બધી જાતના એન્ટ્રી પાસ છે છતાં એરપોર્ટ પોલીસ અધિકારીઓ અમને ટારમાક પર જવા દેતા નથી તો અમે તમને વિનંતી કરીએ છે કે તમે અમને ત્યાં પહોંચવા માટે મદદ કરો. ટીમના સદસ્યએ મારી તરફ આંગળી ચિંધીને જોડેલને કહ્યું તમારી સાથે આ ભાઇ છે એમની અહીંયા ઘણી સારી લાગવગ છે એવું લાગે છે કારણ અમે એમને અહીંના કેટલાક વી.આઇ.પી.ઓ સાથે હસી-મજાક કરતા જોયા છે. એટલે આ ભાઇ જ અમારી મદદ કરી શકશે એવી અમને ખાતરી છે.
મારી ટ્યુબલાઇટ થઇ. થોડી વાર પહેલાં જ ત્યાં એ વખતના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ એમના બીજા બે પ્રધાન સાથીઓ-અશોક ચવ્હાણ અને કૃપાશંકરસિંહ સાથે મથકે ક્લિન્ટનનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. હું પત્રકાર હોવાથી તેઓ ત્રણે જણ મને સારી રીતે ઓળખતા હતા. મને સૂટ-બૂટ-ટાઇમાં જોઇ તેઓએ મારી જોડે થોડી હસી-મજાક કરી હતી.
હવે જોડેલે મને વિનંતી કરી કે તું આ લોકોને મદદ નહીં કરે તો બહુ મોટી ગડબડ થશે. હું આ વાતમાં પડવા અચકાતો હતો કારણ કે તમારી ફરજ છોડીને બીજા કોઇ કામમાં માથું મારશો નહીં એવી અમો બધાને સખત સૂચનાઓ પહેલાંથી જ આપવામાં આવી હતી. છતાંએ મેં સ્થિતિની નાજુકતાને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાનને ખોળવાની કોશિશ કરી તો ખબર પડી કે તેઓ તો ટારમાક પર પહોંચી ગયા છે. ત્યારે મેં ત્યાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મરાઠીમાં આખી હકીકત સમજાવતા તેઓએ કહ્યું કે અમે આ સિક્રેટ સર્વિસવાળાને તમારા કહેવાથી અંદર તો લઇશું પણ એમની પાસે સ્થાનિક ગુપ્તચર ખાતાનો નો પાસ ન હોવાથી તેઓને અમે ટારમાકપર નહિ જવા દઇ શકીશું.
એની પરવાનગી તો માત્ર (તે વખતના) પોલીસ કમિશનર રોની મેન્ડોન્સા જ આપી શકશે. હવે સિક્રેટ સર્વિસવાળા અને જોડેલ ઊંચા-નીચા થવા લાગ્યા હતા કારણ કે ક્લિન્ટનનું વિમાન આવવાનો સમય નજદીક આવી રહ્યો હતો અને અમે અમારી ફરજ બાજુ પર મૂકી આ વિચિત્ર કામમાં લાગ્યા હતા. હું હવે મેન્ડોન્સાને શોધવા નીકળ્યો અને મારી પાછળ જોડેલ અને પેલા સિક્રેટ સર્વિસવાળા સરઘસમાં ચાલતા હોય એમ મારી પાછળ આવવા માંડ્યા. એ જોઇને ત્યાંના બીજા લોકોને ઘણી જ મજા પડી હશે.
છેવટે મેં મેન્ડોન્સાને શોધી કાઢયા. એમની જોડે ઘણી માથાકૂટ કરી જરૂરી પરવાનગી મેળવી અને પેલા ભાઇઓને રન-વે પાસે જતા કર્યા. પછી તો બધું વ્યવસ્થિત રીતે પતી ગયું. એરફોર્સ વન બરાબર ઉતર્યું. ક્લિન્ટન આવ્યા, એમનું શાહી સ્વાગત થયું અને તેઓ એક મોટા કાફલા સાથે ઓબેરોય ચાલ્યા ગયા. આ બધું થયા પછી જોડેલ ઘટસ્ફોટ કર્યો, ‘સાંભળ, એરફોર્સ વન જ્યારે ઉતરવાનું હોય છે ત્યારે અમેરિકાના કડક સિકયુરિટી નિયમો મુજબ, ફરજ બજાવતા સિક્રેટ સર્વિસના રક્ષકોએ વિમાન ઉતરતા પહેલાં જ ટારમાક પર ગોઠવાઇ જવાનું હોય છે. આવું ના થાય તો એ ખતરાની નિશાની સમજી ઇમરજન્સી તરીકે પ્રેસિડેન્ટનું વિમાન નિધૉરિત સ્થળ પર ન ઉતારી બીજી કોઇ સુરક્ષિત જગ્યા પર લઇ જવામાં આવે છે.
આજે જો સિક્રેટ સર્વિસવાળાને તે અંદર ના પહોંચાડ્યા હોત તો એ જ જાતની ઇમરજન્સી થાત. વિચાર કર, તેં બધાને આ મુસીબતમાંથી ઉગારી લીધા છે. એના માટે તારો ખૂબ ખૂબ આભાર’ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી એ કામ પણ મેં પોલીસ અધિકારીઓ સાથે ફરી માથાકૂટ કરી સફળ રીતે પૂરું કર્યું હતું. જેના માટે મને કોન્સુલેટના વડા શ્રી ડેવિડ ગૂડએ ખાસ પ્રશંસાપત્ર આપી મારું સન્માન કર્યું હતું. છેવટે દાદાગીરી કરતાં ગાંધીગીરી જ કામે આવી હતી. મારા માટે જીવનની આ યાદગાર ક્ષણો રહી હતી.