સરબજીત માટે સલમાનનું ઓનલાઇન અભિયાન
Bhaskar News, Mumbai
| Jul 01, 2012, 07:19AM IST

બોલિવૂડના સ્ટાર સલમાનખાને પાકિસ્તાની જેલમાં કેદ સરબજીતની મુક્તિની માગણી માટે ઓનલાઇન અરજી શરૂ કરી છે. સલમાને શનિવારે ટ્વીટ કર્યું હતું કે સરબજીતની મુક્તિના ટેકામાં ઓનલાઇન વિનંતી પર સહી કરીને ટેકો આપનારા તમામનો આભાર, વિશ્વભરના લોકો તરફથી ઓનલાઇન વિનંતીને સારો પ્રતિસાદ મળ્યો છે.
શુક્રવારે પણ સલમાનખાને સરબજીતની મુક્તિના પ્રયાસમાં તેને ટેકો આપવા માટે પાકિસ્તાનના લોકોને વિનંતી કરી હતી. સલમાને શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે ૩૦ વર્ષ જેલમાં રહ્યા બાદ પરિવાર સાથે રહેવા માટે સરબજીતને ભારત મોકલવા માટેના એક ઉમદા કાર્યમાં ટેકો આપવા માટે પાકિસ્તાનની જનતા, પાકિસ્તાની મીડિયા અને સરકારના સભ્યો, પ્રમુખ ઝરદારીને નમ્ર વિનંતી છે.
ફાંસીથી બચવા સરબજીતે ઇસ્લામ અંગીકાર કર્યો છે : પાકિસ્તાનથી પરત આવેલા સુરજીતનો દાવો
પાકિસ્તાનની જેલમાં ૩૦ વર્ષ સુધી રહ્યા બાદ વતન પાછા ફરેલા સુરજીતસિંઘે ખુલાસો કર્યો છે કે લાહોરની કોટ લખપત જેલમાં કેદ સરબજીતે ફાંસીથી બચવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. તેનું નામ બદલીને સરફરાઝ રાખવામાં આવ્યું છે. અન્યે એક ભારતીય કેદી કૃપાલસિંઘે પણ ઇસ્લામ અપનાવ્યો છે. જોકે, બીજી બાજુએ, સરબજીતની બહેને સુરજીતના આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેણે કહ્યું હતું કે સરબજીત ગુરુશીખ છે. તેણે ઇસ્લામ નથી અપનાવ્યો. હું તેને મળવા પાકિસ્તાન ગઇ હતી ત્યારે લોકો તેને સરબજીત તરીકે જ બોલાવતા હતા.





