શિવસેનાનાં વિધાન પરિષદના સભ્ય અને પ્રવકત નીલમ ગોરે તથા શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ મિલિન્દ નાર્વેકર ગયા વર્ષે પુણેના બંધ દરમિયાન હિંસાચાર ભડકાવવાના આરોપી હોવાના સંવેદનશીલ કેસમાં પુણે પોલીસે ખાસ સરકારી વકીલની નિમણુંક કરી હતી. પોલીસ દ્વારા મેળવાયેલા પોતાના અવાજનાં નમૂનાનો વિરોધ કરતા ગોરે અને નાર્વેકરે કરેલી રિવિઝન પીટીશનને જજ વી. જી. જોશી ૬ ઓગસ્ટના સાંભળશે.
આ મામલે વાત કરતા વધારાના પોલીસ કમિશનર (ક્રાઈમ) અનંત શિંદેએ કહ્યું હતું કે, આ કેસ ઉપર ધ્યાન આપવા એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટરની નિમણુંક કરવામાં આવી છે. ‘સામાન્યપણે સરકારી વકીલો ઘણા બધા કામના બોજો ધરાવતા હોય છે. અને તેમની વારંવાર બદલી થતી હોય છે. આ સમસ્યાને નાથવા માટે અમે એક ખાસ સરકારી વકીલની નિમણુંક કરી હતી. પોલીસને ખાસ સરકારી વકીલની નિમણુંક કરવાની સત્તા છે’, એમ શિંદેએ કહ્યું હતું.
શિવસેનાના ઇશારે ૨૮ ડિસેમ્બરે પુણેમાં યોજાયેલા બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મામલે મુશ્કેલી ઊભી કરવાનું કાવતરું ઘડવા માટે બન્ડ ગાર્ડન પોલીસે માર્ચ મહિનામાં ગોરે અને નાર્વેકર પર તહોમતનામું મુકર્યું હતું. પુણેના મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક લાલ મહાલ ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજના માર્ગદર્શક દાદોજી કોન્ડદેવની પ્રતિમા ખસેડી લેવાયાના મામલે આ બંધ પોકારવામાં આવ્યો હતો. કોન્ડદેવને શિવાજી મહારાજના માર્ગદર્શક તરીકે કોઈ પણ રીતે ઉલ્લેખવા સામે મરાઠા મહાસંઘનો વિરોધ છે.