પુણે નજીકથી લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓ નશાની સ્થિતિમાં પોલીસનાં હાથમાં પડ્યાં
ફ્રેન્ડશિપ દિન નિમિત્તે થેઉર નજીક બંગલામાં આયોજિત વિના પરવાના દારૂની એક પાર્ટીમાં પુણે ગ્રામીણ પોલીસે અચાનક દરોડો પાડીને સુમારે ૩૫૦થી ૪૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને તેમના તાબામાં લીધા હતા. આ યુવકો દારૂના નશામાં હતા અને ધિંગાણું મચાવી રહ્યા હતા, પરંતુ પોલીસે પાડેલા દરોડોમાં તેઓનો નશો ઊતરી ગયો હતો. જોકે ૮૮ વિદ્યાર્થીઓની ધપરકડ કર્યા બાદ તેમને જમીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
પાર્ટીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓ ખડકીના હતા અને તેઓ સિમ્બોયસીસ મેનેજમેન્ટ ઓફ સ્ટડીઝ એમબીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ હતા. ફ્રેન્ડશિપ-ડેને નિમિત્તે આયોજવામાં આવેલી પાર્ટી કોલેજના સિનિયર વિદ્યાર્થીઓને તેના જુનિયર વિદ્યાર્થીઓએ આપી હતી અને પાર્ટીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પરપ્રાંતીયો હતા.
પોલીસે દરોડો પાડ્યો ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ મુંછનો દોરો માંડ ફૂટયો હોય એવા તરુણ હતા અને તેઓ દારૂના નશામાં ચુર હતા તેમની સાથે યુવાન વિદ્યાર્થિનીઓ પણ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. દરેકની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને તેઓની ઉપર ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસે પાડેલા દરોડામાં મોડા પ્રમાણમાં દારૂની બોટલો પણ જપ્ત કરવામાં આવી હતી. જોકે આ વિદ્યાર્થીઓએ ડ્રગ્સ કે અન્ય કોઈ અમલી પદાર્થનું સેવન કર્યું હોવાનું જાણવા મળ્યું નહોતું એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
હવેલી તાલુકામાં આવેલા થેઉર સ્થિત એક બંગલામાં વિનાપરવાના દારૂની પાર્ટીની મહેફિલ જામી હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ કરી હતી. રવિવારે મોડી રાત્રે પુણે ગ્રામીણ પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો.