સોલાપુરમાં મિત્ર પક્ષ તરીકેની સમજુતીનો ભંગ કર્યાનો આરોપ કોંગ્રેસ પર મૂકનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસે પુણે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીમાં અચાનક પાટલી બદલતાં ભાજપના ગણેશ બિડકર અનપેક્ષિત રીતે ચૂંટાઈ આવ્યા હતા. બિડકરને નવ અને કોંગ્રેસના શંકર પવારને પાંચ મત મળ્યા હતા.
માત્ર કોંગ્રેસ-એનસીપીના ખટરાગ ઉપરાંત સંસદ સભ્ય સુરેશ કલમાડી અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વૈમનસ્યને કારણે આ ઘટના બની હોવાનું મનાય છે. કોંગ્રેસે વચન ભંગ કર્યો હોવાથી રોષે ભરાયેલા અજિત દાદાએ કલમાડીને આ રીતે આંચકો આપ્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં છે.
પુણે મહાનગરપાલિકામાં કોંગ્રેસ-એનસીપી સાથે સત્તા પર હોવા છતાં બન્ને પક્ષાે સતત એક બીજાની ટાંગ ખેંચવા સક્રિય હોવાનો વધુ એક પુરાવો સ્થાયી સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીમાં મળ્યો. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીએ સેના-ભાજપ સાથે હાથ મેળવીને પ્રવાહ પલટાવતાં પુણે પેટર્ન જાણીતી બની હતી.
તાજેતરમાં સોલાપુર મહાપાલિકામાં પણ સ્થાયી સમિતિના અધ્યક્ષપદની બાબતે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ વચ્ચે વૈમનસ્ય થતાં ત્યાં એનસીપીએ વપિક્ષની પાટલી પર બેસવાનું પસંદ કર્યું હતું. પુણેમાં ઘણા વખતથી બંને પક્ષાે વચ્ચે વિખવાદ ચાલે છે. અગાઉ કોંગ્રેસે પુણે પાલિકાની સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ આગામી મુદત માટે એનસીપીને સોંપવાનું કબૂલ્યું હતું. પરંતુ તેમણે વચન પાળ્યું નહીં. પૂર્વ યોજિત સમજુતી મુજબ એનસીપીએ પોતાના શ્રીકાંત પાટીલને ઉમેદવારી સોંપી. પરંતુ બીજી બાજુ કોંગ્રેસના શંકર પવાર પણ ચૂંટણીમાં ઊભા હતા.
બે બિલાડીની લડાઈનો લાભ લેતા વાંદરાની નીતિ અપનાવતાં ભાજપે તેમના ગણેશ બિડકરને ઉમેદવારીપત્ર ભરવાની સૂચના આપી હતી. એ મુદ્દૈ શિવસેનાને વાંકુ પડ્યું હતું. તેથી શિવસેનાએ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો હતો. પરિણામે ભાજપ હસ્તક ફક્ત ત્રણ મત હતા. કોંગ્રેસ-રાષ્ટ્રવાદીના દરેકના પાંચ-પાંચ સભ્યો હતા. તેથી મનસેની મદદ લઈને કોણ બાજી મારે છે, એ જોવાની સૌને ઉત્સુકતા હતી.
પરંતુ છેલ્લી ઘડીએ ધારણાથી વિપરિત બન્યું. એનસીપીએ શ્રીકાંત પાટીલની ઉમેદવારી પાછી ખેંચીને પાંચે પાંચ મત ભાજપની ઝોળીમાં નાખતાં કોંગ્રેસના પાસાં ઊંધા પડ્યા હતા. ભાજપને મનસેનો પણ એક મત પ્રાપ્ત થતાં કુલ નવ મત સાથે બાજી મારીને ગણેશ બિડકર જીતી ગયા હતા.