મુંબઈમાં તાવ અને મલેરિયાના દર્દીઓ વધે છે, તેમ પુણેમાં સ્વાઈન ફલૂનો ચેપ ફેલાઈ રહ્યો છે. આખા મહારાષ્ટ્રમાં અત્યારે સ્વાઈન ફલૂના ૧૪૩ દર્દીઓ છે. તેમાંથી ૨૦ જણને વેિન્ટલેટર પર રખાયા હોવાનું આરોગ્ય ખાતાની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.
રાજ્યના ૧૪૩ દર્દીઓમાંથી ૧૦૧ દર્દીઓ પુણેમાં છે. હાલ મુંબઈમાં ઓગણિસ, લાતુરમાં સોળ કોલ્હાપુરમાં ચાર, થાણેમાં બે અને નાસિક ક્ષેત્રમાં એક જણાને સ્વાઈન ફલૂ થયો છે. તે ઉપરાંત આ બીમારી હોવાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ૧૭૧ સુધી પહોંચી છે. ચોમાસામાં સ્વાઈન ફલૂ વધવાની શક્યતા આરોગ્ય ખાતાએ થોડા દિવસ પૂર્વે દર્શાવી હતી.
૧ એપ્રિલથી અત્યાર સુધીમાં રાજ્યમાં સ્વાઈન ફલૂના ૧૪૦૦ દર્દીઓ નોંધાયા છે. આ બીમારીનો મરણાંક ૧૧૨ પર પહોંચ્યો છે. આ દર્દીઓમાં પુણેના ૬૦, મુંબઈના ૧૯, થાણેના પાંચ, સોલાપુર-કોલ્હાપુર અને ઔરંગાબાદ પ્રત્યેકના બબ્બે, નાસિકના ૮, લાતુરના ૧૦, અકોલાના ૧ અને નાગપુરના ત્રણ જણાનો સમાવેશ છે.
રાજ્યમાં ૧ એપ્રિલથી અત્યાર સુધીમાં ચાર લાખ ૫૮ હજાર ૮૪૪ જણને તપાસાયા હતા અને તેમાંથી ૩૧,૦૯૦ જણને આ બીમારી હોવાની શક્યતા જણાતાં તેમને ટેમી ફલૂ ગોળીઓ અપાઈ હતી. તેમ જ ડોક્ટરોએ સાવચેતીની સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપ્યા હતા.