પૃથ્વીરાજ ચવ્હાણે મુખ્ય પ્રધાનપદનો અખત્યાર સંભાળ્યાને એક વર્ષ પૂરું થયું ત્યાં વિદર્ભમાં દેવાના બોજ તળે ૧૦૬૫ ખેડૂતોએ આપઘાત કર્યા હોવાનું સત્તાવાર આંકડા મુજબ જાણવા મળ્યું હતું. વડા પ્રધાન કાર્યાલયના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કાર્યકાળમાં પૃથ્વીરાજ ચવ્હાણે ખેડૂતોને પેકેજ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ મુખ્ય પ્રધાન તરીકે કામગીરી સંભાળી ત્યારથી રોજ સરેરાશ ત્રણ ખેડૂતો આપઘાત કરે છે.
કપાસની નિકાસ પર પ્રતિબંધ, લધુત્તમ મૂલ્ય નિધૉરણ તરફ બેદરકારી, બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ભાવ વધારો રોકવામાં નિષ્ફળતા વગેરે બાબતે ગેરવાજબી સરકારી નીતિઓને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આરોપ વિદર્ભ જનઆંદોલન સમિતિના નેતા કિશોર તિવારીએ મૂક્યો હતો.
સરકારી તંત્રમાં ટોચથી તિળયા સુધી વ્યાપેલા ભ્રષ્ટાચાર અને વહીવટીતંત્રની નિષ્ફળતાને પગલે નિર્દોષ ખેડૂતોનો ભોગ લેવા તો હોવાથી હાલના સંજોગોમાં કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ અનિવાર્ય હોવાનું કિશોર તિવારીએ જણાવ્યું હતું. કેન્દ્રના હસ્તક્ષેપની માગણી અનેક વખત કર્યા છતાં કોઈ ધ્યાન અપાતું નહીં હોવાનો રંજ તિવારીએ વ્યક્ત કર્યો હતો.
ગયા સપ્તાહમાં ચાર ખેડૂતોની આત્મહત્યા -
દરમિયાન ગયા ગુરુ-શુક્રવારના ગાળામાં પાક નિષ્ફળ જવા ઉપરાંત આર્થિક દેવાના બોજ હેઠળ વિદર્ભમાં ચાર ખેડૂતોએ આપઘાત કર્યા હતા. વધૉ જિલ્લાના પળ સગાંવના મારુતિ માટે (૬૫) સ્ટેટ બેન્કનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જતાં તેમણે આપઘાત કર્યો હતો. સેલુ તાલુકાના રહેકી ગામના કવડ્ મહાદેવ ઉતાણે (૫૦) એ બીમારીથી ત્રાસીને આપઘાત કર્યો હતો.
શરદ જાશી આક્રમક -
શેરડીના ખેડૂતોની લઘુત્તમ ભાવની સમસ્યાનો માંડ ઉકેલ આવ્યો છે, પરંતુ બીજી બાજુ કપાસના લઘુત્તમ આધાર ભાવને નામે ઉહાપોહ ચાલે છે. વિદર્ભમાં વધૉ પાસેના હિંગણઘાટમાં શેતકરી સંઘટના ના નેતા ડૉ. શરદ જોશીના નેતૃત્વમાં રેલ રોકે અને રસ્તા રોકો આંદોલનો કરાયા હતાં. શરદ જોશીએ જણાવ્યું હતું કે ‘પાકની ગઈ મોસમ દરમિયાન કપાસની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ત્રીસ અબજ રૂપિયાનું નુકસાન થયું. સરકારની ખોટી કૃષિનીતિઓ અને મહારાષ્ટ્રની અધોગતિ માટે શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારની કાવતરાખોરી જવાબદાર છે. ‘વધૉમા ખેડૂતોનું સંમલેન યોજીને તેમણે ઉપરોકત બાબતો જણાવી હતી. એમ સંમેલનમાં ચાર હજાર ખેડૂતો હાજર હતા. ખેડૂતો કપાસનો ક્વિન્ટલ દીઠ લઘુત્તમ ભાવ છ હજાર રૂપિયા અને અનાજનો લઘુત્તમ ભાવ ત્રણ હજાર રૂપિયા નક્કી કરવા તથા તેના પરની નિકાસ બધી ઉઠાવવાની માગણી કરે છે.
વિદર્ભ-મરાઠવાડામાં કપાસના પાકને નુકસાન -
વધૉથી મળતા સમાચાર મુજબ અગાઉ ચોમાસુ પૂરું થયા પછી પણ પડેલા ઝાપટાં અને જરૂરને વખતે વરસાદ ગાયબ થવાને કારણે કપાસની ઉપજમાં એક લાખ ક્વિન્ટલની ઘટ આવવાની શક્યતા છે. વળી ક્વિન્ટલદીઠ આધાર ભાવ પણ સંતોષ કારક નથી. તેથી રાજાના ખેડૂતોને ૧૦ અબજ રૂપિયાનો ફટકો પડવાની શક્યતા છે. દરમિયાન મરાઠવાડામાં પરભણી અને હિંગોલી જિલ્લામાં મોસમમાં અપુરતા વરસાદ અને પાછોતરા વરસાદને લીધે કપાસના પાકમાં ૩૫થી ૪૦ ટકા અને સોયાબીનના પાકમાં ૪૦ ટકા ઘટ આવવાની શક્યતાથી ખેડૂતો મુશ્કેલીમાં પડ્યા છે. જુલાઈ મહિનામાં સોયાબીન અને કપાસની વાવણી કરાઈ હતી.