‘‘જે વિશિષ્ટ ભાવના સાથે જેમણે વર્ષ ૧૯૯૯માં નવો પક્ષ શરૂ કર્યો, તેમના તરફ લોકોનું ભ્રમ નિરસન થયું છે. તેથી લોકો નવી આશા સાથે કોંગ્રેસમાં પાછા ફરી રહ્યા છે. સંસદ સભ્ય સદાશિવ માંડલિકના પ્રવેશ સાથે પશ્ચિમ મહારાષ્ટ્ર ફરી કોંગ્રેસનો ગઢ બનશે,’’ એવો દાવો મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કોલ્હાપુરમાં કર્યો હતો.
આ ટિપ્પણીનો જવાબ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર અથવા અન્ય નેતા સોમવારે આવે એવી શક્યતા છે. ખાસ કરીને ખડકવાસલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પરાજય પછી આવી ટીકા કરાઈ હોવાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ગમગીની ફેલાઈ છે. તેથી ‘મિત્ર પક્ષ’ના મોટા નેતાએ જખમ પર મીઠું ભભરાવતાં એનસીપીનાં નેતાઓ વધુ છંછેડાયા છે.
રાજ્યમાં કોંગ્રેસી મોરચાની સરકાર છે. તેમાં મોરચાના ઘટક પક્ષ અથવા મિત્ર પક્ષ તરીકેનો રાજધર્મ પાળવાની નૈતિક જવાબદારી બન્ને પક્ષોની છે લોડ શેડિઁગના પ્રશ્ને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તરફ કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ માણિકરાવ ઠાકરેએ કટાક્ષ કર્યા હતા. એ વખતે ‘મુખ્ય પ્રધાન કોંગ્રેસના છે, તેથી જોઈએ તો ઊર્જા ખાતું મારા અખત્યારમાંથી પાછું ખેંચી લો’ એમ અજિત પવાર દાઢમાં બોલ્યા હતા. એ વિવાદ શમ્યો નથી, એવામાં શરદ પવારના કટ્ટર વિરોધી સંસદ સભ્ય સદાશિવ માંડલિકના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને મારેલા ટોણા જોતાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં બન્ને કોંગ્રેસો એકબીજાનો છેદ ઉડાડવા સક્રિય રહેશે એ સ્પષ્ટ થયું હતું.
મુખ્ય પ્રધાને કોલ્હાપુર ખાતે માંડલિકના કોંગ્રેસમાં પ્રવેશના સમારંભમાં જણાવ્યું હતું કે ‘‘ઘણાં લોકો જિલ્લા પરિષદમાં અથવા વિધાનસભામાં ચૂંટાઈ આવે છે. પરંતુ સંસદ સભ્ય સદાશિવરાવ માંડલિકે જુના મિત્ર તરફથી થયેલા અન્યાયને જવાબ આપ્યો છે. એટલું જ નહીં, પ્રસ્થાપિત પક્ષને જ પડકારતાં સામાન્ય નાગરિકોના બળ પર કરવીર નગરી (કોલ્હાપુર)ના ક્ષેત્રમાંથી લોકસભામાં પ્રતિનિધિત્વ મેળવવામાં સફળ થયા. તેથી માંડલિક ફક્ત નેતા નહીં, એક શક્તિ છે. તેમના કોંગ્રેસ પ્રવેશને કારણે પશ્ચિમ મહારાષ્ટ્રના રાજકારણને નવું બળ પ્રાપ્ત થશે.’’
મુખ્ય પ્રધાનની આ ટીકા રાષ્ટ્રવાદી કોંગ્રેસને સાવ હાડોહાડ લાગી છે. વળી કોંગ્રેસે પશ્ચિમ મહારાષ્ટ્રમાં અજિત પવારનું વર્ચસ્વ તોડવા તેમના કટ્ટર હરીફ અને કોંગ્રેસના પ્રધાન હર્ષવર્ધન પાટીલની પડખે સંપૂર્ણ તાકાત લગાડવાનો નિર્ણય લીધો છે. તેથી એનસીપીના નેતાઓ વધુ રોષે ભરાયા છે.
આજે ગંગાધર ગાડેનો એનસીપીમાં પ્રવેશ
સોમવારે મરાઠવાડા પ્રાંતના રિપબ્લિકન નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ગંગાધર ગાડે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પ્રવેશ કરશે, એ નિમિત્તે મુંબઈમાં સમારંભ યોજાયો છે. એનસીપીના રાજ્ય એકમના પ્રમુખ મધુકર પિચડની મુખ્ય ઉપસ્થિતિમાં આ પક્ષ પ્રવેશની વિધિ પાર પડતાં કોંગ્રેસને એનસીપી તરફથી જડબાંતોડ જવાબ આપવાની તૈયારી રખાઈ હોવાનું પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. એક વખતમાં રામદાસ આઠવલેના ટેકેદાર એવા ગાડે અગાઉ માયાવતીના બહુજન સમાજ પક્ષમાં પણ કામ કરીને આવ્યા છે. ત્યાં તેમનું ખાસ નહીં ઉપજતાં પાછા ફર્યા અને રિપબ્લિકન પક્ષમાં પોતાનું અલગ જુથ સ્થાપ્યું હતું. થોડો વખત તેઓ શિવસેનાના સંપર્કમાં પણ હતા. પરંતુ છેવટે તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પર પસંદગી ઉતારી હતી.