‘‘મહાનગરમાં વર્ષ ૧૯૯૫ પછી બંધાયેલાં ઝૂંપડાંને પાણી પુરવઠાનાં જોડાણો નકારવાના મુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયને વડી અદાલતમાં પડકારાયો છે.
ગેરકાયદેસર રહેવાસીઓને વીજ પુરવઠો, રહેઠાણો, વસતિ ગણતરી, આધારકાર્ડ વગેરે સગવડો મળતી હોય તો અમને પાણીપુરવઠાનો મૂળભૂત હક શા માટે નકારાય છે?’’ એવો પ્રશ્ન વડી અદાલતમાં કરાયેલી જનહિત યાચિકા (પીઆઈએલ)ના અરજદારોએ કર્યો છે.
આ વિષય પર પાણી હક સમિતિ વતી સમન્વયકાર (કો ઓડિનેટર) સીતારામ શેલારની જનહિત યાચિકાની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ મોહિત શાહ અને ન્યા. રણજિત મોરે સમક્ષ કરાઈ હતી.
‘‘અમારાં રહેઠાણોને કાનૂની માન્યતા નહીં આપો તો ચાલશે, અમારાં ગેરગાયદેસર ઝૂંપડાં પણ ભલે તોડો, પરંતુ જયાર સુધી એ ઝૂંપડાંમાં માણસો રહે, ત્યાર સુધી તેમના પાણીપુરવઠાનાં જોડાણો ન તોડો,’’ એમ અરજીમાં જણાવાયું છે.
રાજ્ય સરકારના ૪ માર્ચ, ૧૯૯૬ના જી. આર. અને વર્ષ ૨૦૦૬ના મહાપાલિકાના પાણી વિષયક નિયમોનો આધાર લઈને વર્ષ ૧૯૯૫ પછીનાં ઝૂંપડાંને પાણી પુરવઠાનાં જોડાણો નકારવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં જાહેર કર્યો હતો. એ નિર્ણયથી ઝૂંપડાવાસીઓને મોટું નુકસાન થશે. તેમના આરોગ્ય, સંતાનોના શિક્ષણ સહિત અનેક સમસ્યાઓ ઊભી થશે. એવી જ રીતે ‘ટેન્કર લોબી’ અને ‘ટેન્કર માફિયા’ને ઉત્તેજન મળશે, એમ આ અરજીમાં જણાવાયું છે.
‘‘પાણી માફિયાઓ ગંદું-દૂષિત પાણી અથવા મહાપાલિકાની પાઈપલાઈનમાંથી જ ચોરેલું પાણી ઝૂંપડાવાસીઓને ૩૦૦ ગણા વધુ ભાવે વેચે છે. મહાનગરપાલિકાનું એક હજાર લિટર પાણી સામાન્ય નાગરિકોને અઢીથી સાડા ત્રણ રૂપિયા કિંમતે મળે છે.
પરંતુ ટેન્કરના વીસ લિટર પાણીના દસ રૂપિયા ચૂકવવા પડે છે,’’ એમ અરજીમાં જણાવાયું છે. અરજીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ (યૂનો)એ જીવન જરૂરિયાત તરીકે પાણીને આપેલા મહત્વનો ઉલ્લેખ કરાયા છે. અરજદારોએ જણાવ્યું છે કે ‘‘લોકોની આર્થિક કે સામાજિક સ્થિતિ કોઈ પણ હોય, તેમને પાણીપુરવઠો મેળવવાનો મૂળભૂત હક મહાપાલિકાએ આપ્યો છે.
આમ છતાં મહાપાલિકાના આ નિર્ણયનો ફટકો મુંબઈના ૩૦થી ૪૦ લાખ રહેવાસીઓને લાગે એવી શક્યતા છે. હાલ કોઈ મકાન બંધાયાં પછી તેને ભોગવટા પ્રમાણપત્ર (ઓકયુપેશન સર્ટિફિકેટ) ન અપાયું હોય તો પણ તેના રહેવાસીઓએ માનવતાને ધોરણે વીજપુરવઠો અપાતો હોય તો અમને પાણી કેમ ન મળે?’’ એવો પ્રશ્ન અરજદારોએ કર્યો છે.