ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી બનવા માંગતા નથી. અડવાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને સંઘે અને ભાજપે પ્રધાનમંત્રી પદથી પણ વધારે ઘણુ બધુ આપ્યું છે. વધુમાં અડવાણીએ જણાવ્યું હતું કે તેમની યાત્રા સારા પ્રશાસન માટે છે કારણ કે યૂપીએના શાસન દરમિયાન દેશમાં અનેક કૌભાંડો સામે આવ્યાં છે. બીજી બાજુ આજે અડવાણી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને પણ તેમની રથયાત્રાના ઉપક્રમે મળ્યાં હતા.
મોહન ભાગવતને મળ્યાં બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તે આ વખતે યાત્રા દરમિયાન ઉત્તર-પૂર્વના ભાગની મુલાકાત કરવા માંગે છે. પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, " આ યાત્રા સમગ્ર દેશમાં યોજાશે અને તે બધા જ મોટા શહેરોની મુલાકાત લેશે." આ યાત્રા 11મી ઓક્ટોબરથી જયપ્રકાશ નારાયણની જન્મ જયંતી નિમિતે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે સંઘને તે ડર હતો કે અડવાણી આ યાત્રા પોતાને પ્રધાનમંત્રી પદના દાવેદાર તરીકે પ્રોજેક્ટ કરવા શરૂ કરવામાં આવી છે. જોકે સંઘના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર યાત્રાને સંઘનું સમર્થન આપવામાં આવશે. જોકે અડવાણીએ સંઘ સાથે મતભેદ હોવાનો ઇન્કાર કર્યો હતો.