પક્ષ અંતર્ગત તેમ જ બહાર અન્ય પક્ષોમાં પોતે લોકનેતા કે વ્યાપક જનસમુદાયનું નેતૃત્વ કરતા આગેવાન નહીં હોવાને મુદ્દે મશ્કરી-ટીકાઓનો સામનો કરતા રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ એ મહેણું ભાંગવા માટે લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય શનિવારે જાહેર કર્યો હતો.
ભાજપના કાર્યકરો માટે પોતે યોજેલા દિવાળી મેળાવડા દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે ‘‘હું લોકસભાની ચૂંટણી લડીશ અને જનતાના મતોથી ચૂંટાઈને સંસદમાં જઈશ. અત્યારે હું ભાજપ પ્રમુખ તરીકે દેશનું નેતૃત્વ કરું છું. આથી વિશેષ અન્ય કોઈ નેતાપદની આકાંક્ષા નથી,’’ એમ કહેતાં પોતે વડા પ્રધાન પદના ઉમેદવાર નહીં હોવાનો સંકેત આપ્યો હતો.
પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર વિશે પૂછતાં ગડકરીએ જણાવ્યું હતું કે ‘‘જ્યારે જરૂર ઊભી થશે ત્યારે અમે ક્ષણાર્ધમાં ઉમેદવાર નક્કી કરી લઈશું.’’ ટાઈપ ટુ ડાયાબિટીસની સારવારના ભાગરૂપે ગયા મહિને કરાવેલી ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી બાબતે પૂછતાં ગડકરીએ દસ કિલો વજન ઘટાડ્યાનું જણાવ્યું હતું. હળવા મિજાજમાં ઉમેર્યું હતું કે ‘‘હું કહી શકું કે મેં દસ કિલો વજન શરીરનું ઘટાડ્યું. પણ મારું રાજકીય વજન કેટલું વધ્યું એ તો તમે પત્રકારો કહી શકો.’’
નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘‘મહારાષ્ટ્રના વરિષ્ઠ ભાજપ નેતા ગોપીનાથ મુંડે સાથે મારું વૈમનસ્ય હોવાની વાતોમાં સહેજ પણ દમ નથી. અમારી વચ્ચે કોઈ મતભેદો નથી.’’ અણ્ણા હજારેની ટીમના સભ્યો પર હુમલા અંગે પ્રતિક્રિયા આપતાં ગડકરીએ કહ્યું કે ‘એ કોંગ્રેસની કિન્નાખોરી છે. અણ્ણા હજારે કે બાબા રામદેવના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હોય કે અન્ય ઝુંબેશ હોય, સામાન્ય નાગરિકોમાં ભ્રષ્ટાચાર વિરોધી જુવાળ ઉભરાઈને પ્રગટ થાય એ સ્વાભાવિક છે. તેની અસર આગામી ચૂંટણીઓમાં જોવા મળશે.’’