- ખાલી બસ લઇને ભાગ્યો, 30ને પહોંચાડી ઇજા, મહામહેનતે પકડાયો ડ્રાઇવર
- માસ્ટર કીથી બસને પોતાના કબ્જામાં લઇ લીધી
- બસ સ્ટેન્ડમાં જ બે વ્યક્તિને કચડી માર્યા
- રોંગ સાઇડમાં દોડાવી બસ
- 2009થી ચલાવતો હતો રાજ્ય પરિવહન નિગમની બસ
પૂનામાં બુધવારે સવારે હોરર ફિલ્મ સ્ટાઇલમાં રાજ્ય માર્ગ પરિવહનની બસના માથાફરેલા ડ્રાઇવરે રસ્તા પર તાંડવ મચાવી દીધું. ડ્રાઇવર બસ સ્ટેન્ડથી ખાલી બસ લઇને ભાગ્યો અને પછી તેણે એક પછી એક એમ કુલ 9 જણને કચડી માર્યા. બસની ઝપટમાં આવીને અંદાજે 30 વ્યક્તિઓ ઘાયલ થઇ ગયા. ડ્રાઇવરે 40 ગાડીઓને ટક્કર મારી તેને નુકસાન પહોંચાડ્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
બુધવારે સવારે પૂનાના સ્વારગેટ વિસ્તારમાં આ ઘટના બની. માથાફરેલા 30 વર્ષીય ડ્રાઇવર સંતોષ માનેએ બસ સ્ટેન્ડમાં ઊભેલી ખાલી બસને માસ્ટર કીથી પોતાના કબ્જામાં લઇ લીધી ત્યાર બાદ તે તેને અત્યંત ખતરનાક રીતે દોડાવવા લાગ્યો. તેણે બસ સ્ટેન્ડમાં જ બે વ્યક્તિઓને કચડી નાંખ્યા અને પછી રસ્તા પર રોંગ સાઇડમાં બસ દોડાવવા લાગ્યો. સવારનો સમય હોવાથી રસ્તા પર ઘણા લોકો હતા. કર્મચારીઓ પોતાની ઓફિસે અને બાળકો શાળાએ જઇ રહ્યા હતા.
રસ્તા પર લોકોને કચડાતા જોઇને ભાગદોડ મચી ગઇ. બીજીતરફ બસ ડ્રાઇવર લોકોને કચડતો અને ગાડીઓને ટક્કર મારતો આગળ વધી રહ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે બસનો ડ્રાઇવર જાણીજોઇને ગાડીઓને ટક્કર મારી રહ્યો હતો.
મહામહેનતે પોલીસે ડ્રાઇવરને પકડ્યો હતો. હાલમાં પોલીસની કસ્ટડીમાં રહેલા ડ્રાઇવર પર હત્યાનો કેસ ચલાવાશે. સંતોષ 2009થી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસ ચલાવી રહ્યો હતો.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.