નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સીએ તેના વલણમાં યુ-ટર્ન લીધો હોવાનું જણાય છે. તાજેતરમાં ઈન્ટરપોલમાં મુંબઈના આતંકવાદી હુમલા અંગે જે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, તેમાં ઈશરત જહાંના નામનો ઉલ્લેખ ક્યાંય નથી. આ ચાર્જશીટ ઉપર પાકિસ્તાનની સેનાના બે મેજર ઉપરાંત કુલ પાંચ પાકિસ્તાનીઓ સામે વોરન્ટ કાઢવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ચાલુ વર્ષે જુન માસમાં ભારતીય તપાસ સંસ્થાના ચાર અધિકારીઓ અમેરિકા પહોંચ્યા હતા જ્યા તેમણે આતંકવાદી ડેવિડ હેડલીની પૂછપરછ કરી હતી. જેમાં તેણે એવી માહિતી આપી હતી કે, મુંબઈ પરના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સેનાના બે અધિકારીઓ સહિત કુલ પાંચ આતંકવાદીઓ સામેલ હતા. જેના આધાર પર ઈન્ટરનેશનલ પોલીસ દ્વારા તેમની વિરૂદ્ધ વોરન્ટ કાઢવામાં આવ્યા છે. જોકે, આ ચાર્જશીટમાં ઈશરતના નામનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
ઉલ્લેખનીય છેકે, વર્ષ 2005માં ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદમાં ઈશરત જહાં રાઝા નામની યુવતિને ઠાર મારવામાં આવી હતી. તેમાં એવો આરોપ મુકવામાં આવ્યો હતોકે, તેણી લશ્કર-એ-તોઈબાની આતંકવાદી હતી. હાલ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સ્પેશ્યલ ઈનવેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જે ઈશરતની હત્યા અંગ તપાસ કરી રહી છે.