નવી મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સિડકોની પનવેલ ખાતેની જગ્યા એરપોર્ટ ઓથોરિટીને આપવાની પરવાનગી હાઈકોર્ટે આપી હોઈને આ પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો થયો છે.
૧૯૬૦માં સંપાદિત કરેલી આ જગ્યા ૧૯૭૩માં સિડકોને ટ્રાન્સફર કરાઈ હતી, એમ રાજ્ય સરકારનું કહેવું હતું, પણ પનવેલના ઉલવે વિસ્તારના બિવલકર કુટુંબે આ જગ્યા પર પોતાનો માલિકી હક હોવાનું કહ્યું હતું.
આ મામલે ન્યાયમૂર્તિ ડી. કે. દેશમુખની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. જોકે એ વિશે કશું ન કહેતાં કોર્ટે જગ્યા એરપોર્ટ ઓથોરિટીને આપવાની પરવાનગી સિડકોને આપી હતી, પરંતુ તે જગ્યાનો વપરાશ એરપોર્ટ બાંધવાને બદલે બીજા કોઈ વેપારી કામ માટે કરશો નહીં અને તે જગ્યાની માલિકી બિલવલકર કુટુંબની હોવાનું પૂરવાર થાય તો તે કુટુંબ વળતર મેળવવાને પાત્ર છે, એવી સ્પષ્ટતા કોર્ટે કરી હતી.
વર્ષ ૨૦૦૫માં રાજ્ય સરકારના વકીલે આ જગ્યા બિલવલકર કુટુંબની હોવાનું નિવેદન કર્યું હતું, તે વિધાન પરત લેવાની પરવાનગી પણ અદાલતે આપી હતી. વન ખાતાએ રાજ્ય સરકારના વકીલને આપેલી માહિતીના આધારે વિધાન કરવામાં આવ્યું હતું.
ખરેખર તો એ ખાતાને જગ્યાની માલિકી નિધૉરિત કરવાનો કશો હક નથી તથા મહેસૂલ ખાતા પાસેથી વિગતો મેળવ્યા વગર એ વિધાન કરવામાં આવ્યું હતું, એવી કબૂલાત રાજ્ય સરકાર વતી રવિ કદમે કરી હતી.