તેમના કર્મચારીઓને ફાવતી જગ્યાએ બદલી આપવા સંબંધે તેમણે જિલ્લા બેંકના અધિકારીઓની મારપીટ કરી
પોતાના કર્મચારીઓને ફાવે તેવા સ્થળે બદલી કેમ આપતા નથી, એવા સવાલનો જવાબ પુછનારા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ) નેતા અને સંસદ સભ્ય છત્રપતિ ઉદ્દયન રાજે ભોસલેએ જિલ્લા બેંકના મુખ્ય કાર્યાલયમાં ઘૂસી જઇ દાદાગીરી તેમજ મારપીટ કરી હતી. જિલ્લા બેંકના ચેરમેન સદાશિવતાત્યા પોળ, ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર એ. એસ. નલાવડે અને જનરલ મેનેજર ડી. એફ. ધરૂને પોતાની કારમાં કોઇ નહીં જાણીતા સ્થળે લઇ જઇ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદ્દયન રાજે ભોસલે બેફામ મારપીટ કરી હતી. આ ઘટનાથી ઉશ્કેરાયેલા બેંક કર્મચારીઓએ સોમવારે કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
ઉદ્દયનરાજે ભોસલેએ શનિવારે બેંકના અધિકારીઓની મારપીટ કરી હતી. પોલીસે આ મામલે મોડી રાતે બેંકના ચેરમેનની ફરિયાદ નોંધી હતી. જોકે પોલીસે હજી સુધી ઉદ્દયન રાજે ભોસલે વિરૂદ્ધ કશી કાર્યવાહી કરી નથી. વળી પોલીસે જેમની મારપીટ થઇ છે તેમાંના એકેયનું નિવેદન સુદ્ધાં નોંધ્યું નથી. મારપીટની બાતમી મળ્યા બાદ તરત જ પોલીસે જિલ્લા બેંકના જયેષ્ઠ અધિકારીઓને સલામતી કવચ આપ્યું હતું, કોલ્હાપુર બેંક એમ્પ્લોયીઝ યુનિયને ફક્ત સલામતી કવચ નહીં, પરંતુ મારપીટ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ મારપીટના વિરોધમાં સોમવારે જિલ્લાની તમામ બેંક શાખાઓ અને વિસ્તારિત શાખાઓ બંધ રહેશે, એમ બેંક યુનિયને જાહેર કર્યું હતું.
કોલ્હાપુર બેંક એમ્પ્લોયીઝ યુનિયનના પ્રમુખ અતુલ દિઘે, કર્મચારીઓના પ્રતિનિધિ પ્રદીપ પવાર અને શામરાવ ગાયકવાડે મારપીટની ઘટના બાદ યુનિયનના અન્ય મુખ્ય સભ્યો સાથે ચર્ચા કરી હતી અને સોમવારે હડતાળના નિર્ણય પર મહોર મારી હતી, યુનિયને એક પરપિત્ર કાઢીને હડતાળથી સામાન્ય માણસને થનારી પરેશાની બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.