નાગપુર શહેરમાં આવેલા ગઢચિરોલી જિલ્લાના ભામરાગડ તાલુકામાં નકસલવાદીઓના એક જુથે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી હતી. મેડપલ્લી ગામમાં કરવામાં આવેલા નકસલવાદી હુમલામાં બે જણનાં મોત થયાં હતાં.
નકસલવાદને ડામવા માટેના સરકારના દરેક પ્રયાસોની ઉપર નકસલવાદીઓ પાણી ફેરવી રહ્યા છે. મેડપલ્લી ગામમાં ત્રાટકેલા નકસલવાદીઓએ બે જણની હત્યા કરી હોવાના બનાવને કારણે ફરી એક વાર સુરક્ષા યંત્રણાની સમક્ષ એક પડકાર ઊભો થયો છે. આજે શનિવારે સવારે આ ઘટના બની હોવાનું પોલીસ સૂત્રોએ આપેલી માહિતી દરમિયાન જાણવા મળ્યું હતું.
પોલીસે આસપાસના વિસ્તારોમાં હુમલો કરનારા નકસલવાદીઓને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવા માટે નાકાબંધી કરી હતી. દરમિયાન એ જ સમયે પોલીસને રસ્તાની વચ્ચોવચ ફેંકી દેવાયેલી એક નધણિયાતી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી જેમાંથી પોલીસને વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. મેડપલ્લી ગામમાં ત્રાટકેલા નકસલવાદીઓએ એક જુની પોલીસ છાવણીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. નસીબજોગ નકસલીઓએ પોલીસ છાવણીમાં કરેલા નુકસાનમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.