નરખેડ તાલુકાના મોવાડ ગામમાં બળાત્કારને મામલે બે જુથ વચ્ચે પથ્થરમારો થવાને લીધે પોલીસે કરેલા ગોળીબારમાં એકનું મોત થયું હતું. આને કારણે વાતાવરણમાં તંગદિલી નિર્માણ થઈ હતી.
શુક્રવાર સવારે આ ઘટના બની હતી, જેમાં એક જણનું મોત થયું છે, જ્યારે પોલીસ સહિત ચાર જણ ઘાયલ થયા છે. બે દિવસ પૂર્વે આ ગામમાં એક મહિલા પર બળાત્કાર થયો હતો. આ મામલે બે જુથ વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. મહિલા તરફી જુથે નરખેડ પોલીસ સ્ટેશનમાં જઈને બળાત્કાર સંબંધી ફરિયાદ નોંધાવી હતી. આ સાથે આરોપીઓ પર કાર્યવાહી કરવાની માગ કરી હતી.
પોલીસે આશ્વાસન આપ્યા બાદ આ જુથે જઈને મહિલા વિરોધી જુથના નાગરિકોનાં ઘરો પર પથ્થરો ફેંક્યા હતા. બાદમાં સામસામે પથ્થરમારો થયો હતો. પોલીસે ઘટનાસ્થળે આવીને તેમને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે તેઓ કાબૂમાં ન આવતાં અને પથ્થરમારામાં પોલીસ સહિત ચાર જણ ઘાયલ થતાં પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં એકનું મોત થયું હતું. આ ઘટનાને લઈને ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી. પોલીસે વધારાની કુમકો ગોઠવીને સ્થિતિમાં કાબૂમાં લીધી હતી.