લલિત શેઠ આપઘાત કરે જ નહીં: કુટુંબીજનો

વિખ્યાત રાજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક પ૬ વર્ષીય લલિત શેઠે આર્થિક ભીંસમાં જ આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. જોકે કુટુંબીઓને આ વાત માનવામાં આવતી નથી. લલિતભાઈ છેલ્લા બે માસથી સખત તાણ હેઠળ હતા એવું કુટુંબીઓનું કહેવું છે.બુધવારે બપોરે વરલી- બાંદરા સી- લિંક પરથી શેઠે મોતની છલાંગ લગાવી હતી, જે પછી આ અંતિમ પગલું શા માટે લેવાયું તે વિશે જાતજાતની અટકળો વહેતી થઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં કુટુંબીઓની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે લલિતભાઈ છેલ્લા બે માસથી સખત તાણ હેઠળ હતા. આને કારણે કુટુંબીઓએ ડ્રાઈવર અજિત ઝાને પણ લલિતભાઈનું સતત ધ્યાન રાખવા માટે સૂચના આપી રાખી હતી.બુધવારે લલિતભાઈ તેમના એક ખાસ પરિચિત વેપારીને અંધેરીમાં મળ્યા હતા. જોકે તેમની વચ્ચે શી વાતચીત થઈ તે જાણી શકાયું નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
લલિતભાઈના કુટુંબીઓનું એવું પણ કહેવું છે કે ૨૦૧૦માં ટ્રાવેલ બસમાં ભારે નુકસાન ગયું હતું, જેને કારણે આ સેવા બંધ કરવી પડી હતી. જોકે ૧૯૮૨માં પણ આ રીતે તકલીફ આવી હતી, પરંતુ તે સમયે લલિતભાઈ અડીખમ રહ્યા હતા. આથી ૨૦૧૦માં નુકસાન ગયું તેને લઈ આત્મહત્યા કરે તે માનવામાં આવતું નથી.
દરમિયાન ગુરુવારે સવારે ૬.૦૦ વાગ્યે લલિતભાઈનો મૃતદેહ તેમના કુટુંબીઓને સોંપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જણાવાયું છે.પોલીસે જણાવ્યું હતું કે લલિતભાઈએ આત્મહત્યા કરી ત્યારે સી-લિંક પરના સીસીટીવી કેમેરા કામ કરતા નહોતા. આથી ત્યાંનું કોઈ વિડિયો ફૂટેજ મળી શક્યું નથી. અમે હવે લલિતભાઈએ આત્મહત્યા કરવા પૂર્વે છેલ્લે કોની કોની સાથે વાતો કરી હતી તેનું પગેરું મેળવી રહ્યા છીએ.આત્મહત્યા કરી ત્યારે મોબાઈલ ફોન લલિતભાઈના ખિસ્સામાં જ હતો, જેને આધારે જ અમે તેમની લાશ વરલી કોલીવાડા બાજુ તણાઈ આવી છે તે શોધી કાઢ્યું હતું.






