- પ્રથમ પ્રકલ્પ ૨૦૧૨માં પૂરો થશે, તમામ પ્રકલ્પો ૨૦૧૫માં પૂરા થશે
શહેરને પાણીપુરવઠા માટે જળાશયો-સરોવરોની વધતી સંખ્યા અને ૧૩૦ ઈંચ જેટલો વરસાદ પણ ઓછો પડે એ હદે વસતિ અને વેપારધંધા વધે છે. તંગીને પહોંચી વળવા માટે બોરવેલ અને વર્ષાજળ સંગ્રહ એટલે કે રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા વિકલ્પો પણ પ્રચલિત બની રહ્યા છે.
દરિયાના ખારા પાણીને ક્ષારહીન બનાવીને પીવા સિવાયના ઉપયોગ માટે વાપરવા અંગે વિચારણા ચાલે છે. તેમાં વધુ એક વિકલ્પરૂપે ગટરનું પાણી પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરીને ઔદ્યોગિક ઉપયોગ માટે આપવા અંગે મુંબઈ મહાપાલિકાએ વિચાર્યું છે.
શહેરની ગટરોનું પાણી સીધું દરિયામાં ઠાલવવાને બદલે થોડું સ્વચ્છ કર્યા બાદ દરિયામાં છોડવામાં આવે છે. તેથી સમુદ્રના પાણીમાં દૂષિતતા ઓછી રહે છે. આ પ્રક્રિયા સાથે ગટરનું પાણી દરિયામાં છોડવા માટે મહાપાલિકાએ ઉદ્વંચન કેન્દ્રો (પિમ્પંગ સ્ટેશન્સ) સ્થાપ્યાં છે. એ પિમ્પંગ સ્ટેશન્સના ગટરના પાણીને વધુ પ્રક્રિયા દ્વારા વધુ શુદ્ધ કરાય તો એ પાણીનો ઉપયોગ પીવા સિવાયનાં કામો, કારખાનાં અને ઉદ્યોગોની કાર્યવાહીઓ માટે કરી શકાય એમ છે. તેથી કોલાબા, વરલી, વર્સોવા, ભાંડુપ, બાંદરા, મલાડ અને ઘાટકોપરનાં પિમ્પંગ સ્ટેશન્સમાં શુદ્ધિકરણ માટે પ્રક્રિયાનાં વધુ સાધનો ગોઠવવાની તૈયારી મહાપાલિકાએ કરી છે.
ઘાટકોપરમાં પ્રયોગને સફળતા
ઘાટકોપર પિમ્પંગ સ્ટેશનમાંથી રોજ સરેરાશ ૨૮ કરોડ ૮૦ લાખ લીટર પાણી દરિયામાં છોડવામાં આવે છે. શરૂઆતમાં આ ૨૮.૮૦ કરોડ લિટર પાણી શુદ્ધ કરીને ઘાટકોપરથી દેવનાર સુધીનાં ઈચ્છુક કારખાનાંને પૂરું પાડવાનો ઉપક્રમ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયો હતો. તેને સારો પ્રતિસાદ મળતાં ૨૮.૮૦ કરોડ લિટર પાણીમાંથી ૧૫ કરોડ લિટર પાણી ખાનગી કંપનીઓ-કારખાનાંને વેચવાની શરૂઆત કરવામાં આવશે. એ પાણીના શુદ્ધિકરણ માટે પ્રક્રિયા અર્થે ખાસ કેન્દ્ર સ્થાપવાનું કામ ખાનગી કંપનીને સોંપાશે. પાણી વેચવાના હકોએ કંપનીને જ અપાશે. જોકે તેમાંથી સ્વામિત્વ ધન એટલે કે રોયલ્ટી મહાપાલિકાને ચૂકવવાનું રહેશે. હાલ ઘાટકોપરમાં આ પ્રક્રિયા અને પુરવઠાના કામ માટે ૨૩ કંપનીઓએ મહાપાલિકાને અરજી કરી છે.
બે વર્ષમાં કામ પૂરું થશે
આ પ્રક્રિયા કેન્દ્રના કુલ ખર્ચ અને ટેકનિકલ બાબતો ચકાસીને અહેવાલ તૈયાર કરવાનું કામ ‘ક્રિસિલ’ કંપનીને સોંપાયું છે. રિસાઈકલિંગ બાદ ફરી ઉપયોગ માટેના પ્રક્રિયા કેન્દ્ર સ્થાપવાનું કામ આવતા ૨૪ મહિનામાં એટલે કે વર્ષ ૨૦૧૨ના અંત સુધીમાં પૂરું થવાની આશા મહાપાલિકાના પાણી પુરવઠા ખાતાના ઈજનેરોએ વ્યક્ત કરી હતી.
પ્રયોગને સફળતા બાદ અન્યત્ર અમલ
આ રીતે પાણીના વેચાણમાં સફળતા મળ્યા બાદ કોલાબામાં ૪૧.૬૦ કરોડ લિટર, વરલીમાં ૭૬ કરોડ લિટર, વર્સોવામાં ૧૭.૧૦ કરોડ લિટર, ભાંડુપમાં ૧૭ કરોડ લિટર, બાંદરામાં ૭૯.૭૦ કરોડ લિટર અને મલાડમાં ૬૦ કરોડ લિટર ગટરના પાણીમાંથી મહત્તમ પ્રમાણમાં શુદ્ધિકરણ પ્રક્રિયાની વ્યવસ્થા સ્થાનિક પિમ્પંગ સ્ટેશન્સ દ્વારા કરવામાં આવશે. તબક્કાવાર રીતે આ બધાં કામો વર્ષ ૨૦૧૫ સુધીમાં પૂરાં કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે.
આ પાણીનો ઉપયોગ શૌચાલયોમાં, બગીચામાં, ઔધ્યૌગિક સફાઈ માટે, વાહનો ધોવા માટે વગેરે પીવા સિવાયનાં કાર્યોમાં કરવામાં આવશે. પ્રક્રિયા બાદ ચોખ્ખું કરાયેલું પાણી કારખાનાં, ગેરેજ, બગીચા, શૌચાલયો વગેરેને પહોંચાડવા માટે નવી પાઈપલાઈન પણ નખાશે, એમ મહાપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.
શુદ્ધિકરણ પ્રકલ્પો દ્વારા ૧૮ કરોડ લિટર પાણીનો પુરવઠો કરાશે
હાલમાં મુંબઈ શહેર વિસ્તારની વસતિ ૩૨.૭૪ લાખ લોકોની છે. તેમને તળાવો દ્વારા રોજ ૧ અબજ ૧૪ કરોડ લિટર પાણીપુરવઠો અપાય છે. પૂર્વ ઉપનગરોમાં ૪૦.૬૪ લાખ લોકોની વસતિને સરોવરો દ્વારા રોજ ૮૯ કરોડ લિટર પાણીપુરવઠો અપાય છે. પશ્ચિમનાં પરાંમાં ૫૯.૦૭ લાખ લોકોની વસતિ છે. તેમને તળાવોમાંથી રોજ ૧ અબજ ૩૨ કરોડ લિટર પાણી અપાય છે.
આમ, એકંદરે રોજ ૧ કરોડ ૩૨ લાખ ૪૫ હજાર લોકોને રોજ ૩ અબજ ૩૫ કરોડ લિટર પાણીનો પુરવઠો અપાય છે. તેમને ગટરના પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરીને ૧૮ કરોડ લિટર પાણીનો પુરવઠો પીવા સિવાયના ઉપયોગ માટે આપવાની યોજના ઘડાઈ છે. તેથી એટલા પ્રમાણમાં પીવાના પાણીની બચત થવાની અપેક્ષા રખાય છે.