મુંબઈ મેટ્રોના પ્રથમ માર્ગ પર પ્રવાસ કરનારા મુંબઈગરાનું સપનું જૂન ૨૦૧૧માં સાકાર થશે
મુંબઈ મેટ્રોના પ્રથમ માર્ગ પર પ્રવાસ કરનારા મુંબઈગરાનું સપનું જૂન ૨૦૧૧માં સાકાર થશે. નવીનક્કોર ગાડીઓ, ચમકદાર, આકર્ષક સ્ટેશન્સ, પાર્કિંગ પ્લાઝા જેવાં આકર્ષણો રજુ કરીને હવે મુંબઈ મેટ્રોનું ભાડું પણ દુનિયાની ૧૧ મેટ્રો કરતાં સૌથી ઓછું રહેશે એવો દાવો એમએમઆરડીએએ કર્યો છે.
વર્સોવા - અંધેરી- ઘાટકોપર માગ પર મુંબઈની પહેલી મેટ્રો શરૂ થવાની છે. આ માર્ગ પર પ્રવાસી ભાડું છ રૂપિયાથી દસ રૂપિયા દરમિયાન રહેશે. ચારકોપ- બાંદરા- માનખુર્દ એમ બીજા માર્ગ માટે લઘુતમ ભાડું આઠ રૂપિયા અને મહત્તમ ૨૪ રૂપિયા રહેશે. આ દરરચના આરંભની છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
જાહેર વાહન વ્યવસ્થાપન આપણી સમાજવ્યવસ્થાનું ઘટક છે. મોટા ભાગના લોકો નોકરીધંધાનાં સ્થળે જવા માટે જાહેર પરિવહન વ્યવસ્થાનો આધાર લે છે. મુંબઈની ઉપનગરીય રેલવે તેનો શ્રેષ્ઠ દાખલો છે. મેટ્રો અને મોનો રેલવેને કારણે ઉપનગરીય રેલવેને પૂરક સેવા મળશે, એવો વિશ્વાસ એમએમઆરડીએના આયુક્ત રત્નાકર ગાયકવાડે વ્યક્ત કર્યો છે.
મુંબઈ મેટ્રોના પ્રથમ માર્ગ પર પ્રથમ ત્રણ કિમી માટે છ રૂપિયા, આઠ કિમી સુધી આઠ રૂપિયા, આઠ કિમી કરતા ઓછા અંતર માટે દસ રૂપિયા પ્રવાસ ભાડું છે. બીજા માર્ગ માટે પ્રથમ ત્રણ કિમી માટે રૂ.આઠ, આઠ કિમી સુધી રૂ.૧૦, ૧૨ કિમી સુધી ૧૨ રૂપિયા, ૧૫ કિમી સુધી રૂ.૧૪, ૨૦ કિમી સુધી ૧૭ રૂપિયા અને ૨૫ કિમી સુધી R ૨૦, ૩૦ કિમી સુધી રૂ.૨૨ અને ૩૦ કિમી કરતાં વધુ અંતર માટે રૂ.૨૪ એવું ભાડું રહેશે, એમ જણાવ્યું હતું.