ભારતનાં સૌથી વધુ વ્યસ્ત બંદરોમાંનું એક હળવે પગલે ડિમ્પંગ યાર્ડ-કચરાનો નિકાલ કરી દેવા માટેનું સ્થાન બની રહ્યું છે. ૧૧ જહાજ અકસ્માતો અને આંતરરાષ્ટ્રીય નિયમોને અભેરાઈ ઉપર મૂકીને મુંબઈ બંદરના દરિયામાં ત્યજી દેવાયેલાં નાનાં જહાજો મુંબઈના પોર્ટનું ભયાનક ચિત્ર સર્જી રહ્યું છે.
મુંબઈ કાંઠાની નજીકના સમુદ્રમાં બે જહાજોની ટક્કરને પગલે પ્રચંડ પર્યાવરણલક્ષી સમસ્યા સજાર્યાને બે મહિનાથી વધુનો સમય થયો છે, પણ ભયાનક રીતે આડું પડી ગયેલું જહાજ એમએસસી ચિત્રા હજીય સમુદ્રમાં નિરાધાર અવસ્થામાં છે.
મુંબઈના દરિયામાં ૧૧ જહાજોનો કાટમાળ દશકાઓથી કોહવાઈ રહ્યો છે. પોર્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણાં જહાજો પણ ફસાયેલાં છે.
કાયદા પ્રમાણે અકસ્માત થયા પછી તરત જ સંબંધિત જહાજના માલિકે જહાજનો કાટમાળ હટાવી લેવો જોઈએ.
જગત આખામાં આ કાયદાનો કડક રીતે અમલ થાય છે ત્યારે ભારતમાં આ કાયદા સબબ ઢીલાશ કરવામાં આવે છે અને ભારતમાં સત્તાવાળાઓની શિથિલતા માલિકોને ‘ગંદકી’ સાફ કર્યા પહેલાં જ છટકી જવા દે છે. સૌથી વધુ ચોંકાવનારી અને આઘાતજનક બાબત તો એ છે કે સત્તાવાળાઓને આ કાટમાળ દરિયામાં ક્યાંં છે અને તેમાં શી સામગ્રી-સામાન છે તેની જરા સુધ્ધાં જાણકારી નથી. બની શકે છે કે એમાં ઝેરી સામાન પણ હોઈ શકે.