ચાર દિવસનો બ્રેક લીધા બાદ મુંબઈમાં ફરી ઠંડો પવન અનુભવાય છે. મંગળવારથી સવારથી ઠંડા પવનો શરૂ થયા છે. બપોરે પણ ઠંડક અનુભવાય છે. આ શીતલહેર હજુ થોડા દિવસ ચાલુ રહેવાનો અંદાજ વેધશાળાએ દર્શાવ્યો છે.
જાન્યુઆરી મહિનાના અંતમાં ૧૦ અંશ સેલ્સિયસ તાપમાન નોંધાયા પછી પાંચ જ દિવસોમાં શહેરનું મહત્તમ ઉષ્ણતામાન ૩૫ અંશ સેલ્સિયસ પર પહોંચ્યું હતું. હવે ફરી વખત ઠંડીનું મોજું ફેલાવાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી હતી. એ બાબતની પ્રતીતિ મુંબઈગરાઓને હવે થઈ રહી છે. પાકિસ્તાની ઉત્તરે અને કાશ્મીરમાં હાલ ઠંડીનું વ્યાપક મોજું ફેલાયું હોવાથી દક્ષિણ તરફ વહેતા પવન દ્વારા મુંબઈ સુધી બધા પ્રાંતોમાં ઠંડા પવનો ફેલાયા છે.
મંગળવારે સવારે સાંતાક્રુઝ ખાતે ૧૭ અંશ સેલ્સિયસ અને કોલાબા ખાતે ૨૦ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન હતું. ત્યાર પછી આખો દિવસ ઠંડા-સૂકા પવનો વહેતા રહેતાં બપોરનું તાપમાન પણ ૩૦ અંશ સેલ્સિયસથી નીચે ઊતર્યું હતું. આગામી બે દિવસોમાં લઘુતમ ઉષ્ણતામાન ૧૫ અંશ સેલ્સિયસ પર આવવાની શક્યતા મુંબઈની ક્ષેત્રીય હવામાન કચેરીએ દર્શાવી છે. છેલ્લાં દસ વર્ષોમાં સૌથી ઓછું તાપમાન ૮ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ ૮.૫ અંશ સેલ્સિયસ નોંધાયું હતું. આથી ચાલુ ફેબ્રુઆરી મહિનામાં એ વિક્રમ તૂટે છે કે નહીં તે જોવાનું રહેશે.