સામાન્ય રીતે વર્ષના મોટા ભાગના મહિનાઓમાં ગરમી અને પરસેવાથી હેરાન થતા મુંબઈગરાઓ ફેબ્રુઆરી મહિનાની કડકડતી ઠંડી બરાબર માણી રહ્યા છે. સામાન્ય રીતે મુંબઈગરાઓ શિયાળામાં પણ શાલ, સ્વેટર, કાનટોપી, તાપણાં વગેરે ટી.વી. પર અન્ય પ્રાંતોના કવરેજમાં નિહાળે છે. તેમને જાતે ગરમ કપડાં પહેરવાનો વારો ભાગ્યે જ આવતો હોય છે. પરંતુ આ શિયાળો મુંબઈના લોકોએ ગરમ કપડાંનો ભરપૂર ઉપયોગ કર્યો. રાજ્યના અન્ય પ્રાંતોમાં કડકડતી ઠંડી છે. પરંતુ નાસિકમાં બરફ પડતાં દ્રાક્ષના પાકને નુકસાન થયાનું કહેવાય છે.
ઉત્તર દિશાએથી વેગપૂર્વક આવતાં ઠંડા પવનો ગુજરાતથી આગળ આવીને મુંબઈ- મહારાષ્ટ્રને પણ આવરી રહ્યા છે. બપોરે પણ ઠંડક અનુભવાતી હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું છે, ઉત્તરના પવનોને કારણે તળ મુંબઈ અને ઉપનગરોના તાપમાનમાં ખાસ્સો ઘટાડો થયો. આવતા ૪૮ કલાકમાં ઉષ્ણતામાનના આ સ્તરમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નહીં હોવાનું કોલાબા વેધશાળાએ જણાવ્યું હતું. એકંદરે મુંબઈવાસીઓ હજુ ત્રણેક દિવસ ઠંડી અનુભવી શકશે.
હાલનો આંકડો છેલ્લાં દસ વર્ષોમાં ફેબ્રુઆરીમાં સૌથી વધુ ઠંડીનો બીજા ક્રમનો આંકડો છે. પ્રથમ ક્રમનો આંકડો ૮ ફેબ્રુઆરી, ૨૦૦૮નો ૮.૫ અંશ સેલ્સિયસ તાપમાનનો છે. બુધવારે સાંતાક્રુઝમાં પરાંનું ઉષ્ણતામાન ૮.૮ અંશ સેલ્સિયસ નોંધાયું હતું અને કોલાબામાં તળ મુંબઈનું તાપમાન ૧૪.૨ અંશ સેલ્સિયસ નોંધાયું હતું. ઉપનગરોમાં ઘણાં ઠેકાણે ધુમ્મસ છવાતાં વાહનવ્યવહાર સાવ ધીમો હતો.