મોડેલ વિવેકા બાબાજીની આત્મહત્યાના પ્રકરણમાં તપાસ કરી રહેલી ખાર પોલીસે તેના મિત્ર શેરદલાલ ગૌતમ વોરા અને ઈવેન્ટ મેનેજર કાર્તિક જોબનપુત્રાને કલીન ચિટ આપી છે.
કાર્ટર રોડ વિસ્તારમાં આવેલી કોન્ટિનેન્ટલ બિલ્ડિંગમાં ૨૫ જુનના રોજ વિવેકાનો મૃતદેહ પંખામાં લટકતી અવસ્થામાં પોલીસને મળી આવ્યો હતો. કિચનમાંથી ગેસ લીક થતો હોવાને કારણે અને ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે પોલીસ અને અગ્નિશમન દળ એમ બંને ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિવેકાને ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી.
પોલીસે વિવેકાના ઘરની તપાસ હાથ ધરતાં બધી વસ્તુઓ વેરવિખેર પડેલી જોવા મળી હતી. વિવેકાએ હતાશામાં આવીને આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે પોલીસને બાદમાં વિવેકાને મૃત્યુ પૂર્વે લખેલી ચિઢ્ઢી મળી આવી હતી જેમાં લખ્યું હતું, ‘યુ કિલ્ડ મી ગૌતમ.’આને પગલે ગૌતમ તપાસમાં ઘેરામાં આવ્યો હતો.
આ સાથે જોબનપુત્રાને પણ વિવેકા સાથે મૈત્રી હોવાથી તે પણ તપાસમાં ઘેરામાં આવ્યો હતો. જોકે લેબોરેટરીના અહેવાલમાં વિવેકાની હત્યા થઈ ન હોવાનું બહાર આવતાં ખાર પોલીસે આ કેસની ફાઈલને બંધ કરીએ અને ગૌતમ તેમ જ કાર્તિકને કલીન ચિટ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.