મુંબઈનાં મેયર શ્રદ્ધા જાધવે ગણપતિ ઉત્સવની પૂર્વતૈયારીના ભાગ તરીકે પાલિકાના વિસ્તારોના ગણેશમૂર્તિ વિસર્જન સ્થળોની મુલાકાત લીધી હતી અને ત્યાંની તૈયારીનાં લેખાંજોખાં લીધાં હતાં. આ મુલાકાત-યાત્રામાં મેયરની સાથે એડશિનલ મ્યુનિસપિલ કમિશનર (પૂર્વના ઉપનગરો) અસીમ ગુપ્તા, ડેપ્યુટી કમિશનર ડૉ. કિશોરીરસાગર, સ્થાનિક નગર સેવક સ્થાનિક સહાયક કમિશનર, મુંબઈ મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
આ પ્રવાસ દરમિયાન મેયરે સૌથી પહેલાં દાદર ખાતેના ગણેશમૂર્તિ વિસર્જન સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે માહિમ ચોપાટી (રેતી બંદર), જુહુ ચોપાટી, વર્સોવા ચોપાટી અને માર્વે ચોપાટી (મલાડ પશ્ચિમ) ખાતેનાં ગણેશમૂર્તિ વિસર્જન સ્થળોની મુલાકાત લીધી હતી. માર્વે ચોપાટીની મુલાકાત વખતે વિધાનસભ્ય વિનોદ ઘોસાળકર પણ હાજર હતા.
દાદર ખાતેના સ્થળ દરમિયાન મેયરે નાગરિકોની અપેક્ષાઓ તેમ જ તેમની આવશ્યક સુવિધાનો વિચાર કરીને યોગ્ય કરવાની સૂચના વહીવટી તંત્રને આપી હતી. તે સાથે જ ગણેશોત્સવ દરમિયાન આવશ્યક સગવડો-સુવિધા પ્રત્યે ધ્યાન આપવા માટે મહાપાલિકા સજ્જ હોવાનો ભરોસો તેમણે વ્યક્ત કર્યો હતો.