લિફ્ટ આપવાને બહાને પરિણીતા પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે ત્રણ દોષિતને બમણી આજીવન કેદની સજા શુક્રવારે સંભળાવી હતી.
પુણેના હિંજવડીમાં આ ઘટના બની હતી, જેમાં એડશિનલ સેશન્સ કોર્ટ ડબ્લ્યુ. કે. સાંગળેએ શુક્રવારે સજા સંભળાવી હતી. બળાત્કાર એ ફક્ત શરીર સાથે સંબંધિત ગુનો ન હોઈ સ્ત્રીનો સ્વાભિમાન, સન્માન અને તેના સમાજમાંનું , સંસ્કૃતિમાં માનનું સ્થાન અને તેની ભાવનાઓ પર હુમલો છે એવી નોંધ કરીને કોર્ટે ત્રણેય નરાધામને આ સજા ફટકારવા સાથે R ૧૮,૦૦૦નો દંડ પણ ફટકાર્યો હતો.
અત્યાચાર કરવા સમયે ગુનેગારોએ પરિણીતાની અસહાયતાનો ફાયદો ઉઠાવ્યો, તેને કોંકણમાં વેચવાની ધમકી આપી, ફરી બ્લેકમેઈલ કરીને અત્યાચાર કરી શકાય તે માટે તેને જીવતી છોડી હતી, એવી નોંધ પણ કોર્ટે હતી. સરકાર વતી એડવોકેટ ઉજજવલ નિકમે દલીલો કરી હતી. સજા પામનારમાં ગુંડો ૩૩ વર્ષીય સુભાષ હીરાલાલ ભોસલે, રિક્ષાચાલક રણજિત શહાજી ગાડે (૨૬) અને ગણેશ ઉત્તમ કાંબળે (૨૭)નો સમાવેશ થાય છે, જેમની સામે કાવતરું ઘડવું, અપહરણ કરવું, સામૂહિક બળાત્કાર ગુજારવો એમ ત્રણ આરોપ પુરવાર થયા હતા.
૧ એપ્રિલ, ૨૦૧૦ના રોજ આ ગુનો આચરવામાં આવ્યો હતો. નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા તે હિંજવડીની એક કંપનીમાં આવી હતી. તેણે ભંડારકર રોડ પર એક વાહન પાસે લિફ્ટ માગી હતી.તે સમયે આરોપીઓ કાર લઈને ત્યાંથી પસાર થતા હતા. તેમણે લિફ્ટ તો આપી પછી હિંજવડીમાં એક સૂમસામ જગ્યાએ લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.