કોંગ્રેસના સાંસદ અને પ્રવક્તા મનિષ તિવારીએ આજે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી લીધી હતી. અણ્ણાનું અનશન શરૂ થતાં પહેલા મનિષ તિવારીએ તેમની પર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના આક્ષેપો કર્યા હતા. પૂણેના મિલિન્દ પવાર નામના વકીલે મનિષ તિવારીને ફટકારેલી બદનક્ષીના નોટિસ બાદ તિવારીએ અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી લીધી હતી.
-મનિષ તિવારીએ તેમની પર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના આક્ષેપો કર્યા હતા
-અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગતી કોપી મિલિન્દ પવારે જાહેર કરી હતી
અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગતી કોપી મિલિન્દ પવારે જાહેર કરી હતી, તેમાં તિવારીએ જણાવ્યું હતું કે તેમણે 25મી ઓગષ્ટના રોજ પહેલેથી જ માફી માંગી લીધી હતી અને અણ્ણા હજારેને તેમણે રામલીલા મેદાન પર કરેલા અનશન ઉપવાસ સમાપ્ત કરી દેવાની અપીલ કરી હતી. તિવારીએ પોતાના માફી પત્રમાં જણાવ્યું હતું કે, “ હું કોઇ અભિમાન ધરાવતો નથી, ખાસ ત્યારે જ્યારે મારાથી મોટી ઉંમરના લોકોને યોગ્ય માન આપવાની વાત આવે ત્યારે. હું સંપૂર્ણ ગંભીરતાથી મારો ખેદ વ્યક્ત કરું છું.”
તિવારીએ જણાવ્યું હતું કે, “ હું કોઇ કાયદાકીય જવાબ પાઠવવા માંગતો નથી અને આ મુદ્દો લાંબો ખેંચાય તેવું પણ ઇચ્છતો નથી. હું આશા રાખુ કે તમે આ મુદ્દાને પૂર્ણ થયેલો સમજશો.”
પવાર કે જેમણે મનિષ તિવારીને ફોજધારી કાયદાની કલમ 500 અંતર્ગત બદનક્ષીની નોટિસ પાઠવી હતી તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રવક્તાની લેખિત માફી બાદ અણ્ણા હજારેએ આ મુદ્દાને અહીં જ સમાપ્ત કરી લેવાનું નક્કી કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે હજારેએ પોતાનું અનશન શરૂ કર્યું તેના એક દિવસ પહેલા કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ અણ્ણા હજારે ઉપર થી નીચે સુધી ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આક્ષેપ મૂક્યો હતો.