પિંપરી સ્થિત આવેલા નેહરુનગર વિસ્તારમાં ચેતક લોજિસ્ટિક કંપનીના માલિક ગિલ્બર્ટ વિલ્સન સુંદરજી ઉપર ત્રણ અજ્ઞાત શખસોએ મંગળવારે સવારે ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ પ્રાણઘાતક શસ્ત્ર વડે પ્રહાર કર્યો હતો જેમાં વિલ્સન જખમી થયા હતા.
ગિલ્બર્ટ તેમના સંત તુકારામ નગર સ્થિત આવેલા ઘરેથી પોતાની મારુતિ ગાડીમાં ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ બાઈક ઉપર તેમની કારનો પીછો કરીને ગોળીબાર કર્યો હતો, એમ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું. એક ગોળી ગાડીની બોનેટ ઉપર લાગી હતી અને ગાડી નેહરુનગર વિસ્તારમાં આવેલા સંતોષી માતા ચોકની નજીક ઊભી રહી હતી અને ત્યાર બાદ હુમલાખોરોએ તેમની ઉપર અન્ય શસ્ત્ર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગિલ્બર્ટ ગંભીર રીતે જખમી થયા હતા.
દરમિયાન પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે હુમલાખોરો લોજિસ્ટિક કંપનીમાં માથાડી કામગાર હોવાની શંકા છે. હાલમાં ચાલી રહેલા કંપનીના વ્યવસ્થાપકો અને કામગારો વચ્ચેના ગજગ્રાહને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું. કામગારો અને વ્યવસ્થાપકો વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે અગાઉ અતિશય તણાવભર્યું વાતાવરણ પણ સર્જાયું હતું જેની ફરિયાદ માર્ચ મહિનામાં ગિલ્બટેં પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.