‘જમીન સંબંધી બાવન કૌભાંડોમાંથી પાંચમાં પણ કઠોર કાર્યવાહી થશે તો અન્ય મામલાના આરોપીઓને આંચકો લાગશે : એકનાથ ખડસે.
‘આજની રાજ્ય સરકાર અંગ્રેજો કરતા વધુ અંગ્રેજ છે. સુવર્ણમહોત્સવી વર્ષમાં આપણું રાજ્ય કૌભાંડોના રાજ્ય તરીકે પ્રખ્યાતિ પામે એ આપણું દુભૉગ્ય છે, એમ કહીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસેએ સરકારની ટીકા કરી હતી, તે સાથે જ તેમણે અંતિમ અઠવાડિયાનો પ્રસ્તાવ પણ મુકયો હતો. પોતાના વકતવ્યમાં એકનાથ ખડસેએ ભ્રષ્ટાચાર અને જમીન ગોટાળા સંબંધે અનેક મામલા પ્રત્યે સભાનું ધ્યાન ખેંચ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ‘આદર્શ કૌભાંડ પછી પણ બીજા અનેક કૌભાંડો થયા છે, પણ સરકારે એ તરફ જાણીબૂઝીને દુર્લક્ષ કર્યું છે. પોતાના સ્વાર્થ માટે નિયમ બદલીને સત્તાનો દુરુપયોગ કર્યો છે. બાંધકામનો ધંધો કરનારાઓના ગળામાં જમીનો પહેરાવી દીધી અને એથી ય ઉપરવટ જઈને તેમને સંરક્ષણ પણ આપ્યું હતું.’ પોતે ભૂખંડના મામલે કરાયેલા કૌભાંડોની યાદી પુરવાઓ સહિત રાજ્યપાલને આપી હોવાનું તેમણે એ વખતે જણાવ્યું હતું. ‘આવા કૌભાંડોની પરંપરા આગળ ન ચાલે માટે સરકારે યોગ્ય પગલાં લેવા’ એવી હાકલ પણ ખડસેએ કરી હતી.
આદિવાસીની વસતિની જમીનો તેમ જ ભૂમિહિનો માટેની જમીનો પર પણ સરકારનો ડોળો છે એમ કહીને ખડસેએ મહાબળેશ્વર જમીન કૌભાંડ તથા ડીએલએફ અને ઇન્ડિયા બુલ્સ જેવી કંપનીઓનો ઉલ્લેખ કર્યો હતો. આવી કંપનીઓ સેંકડો એકર જમીનો ખરીદીને રાખી મુકે છે. પાંચ-પાંચ વર્ષ સુધી એ જમીન પર કશું બાંધકામ થતું નથી. એ પછી મૂળ ઉદ્દેશ બાજુ પર મુકીને બાંધકામ કરવામાં આવે છે, એના પણ તેમણે અનેક દાખલા આપ્યા હતા.
‘રાજ્યમાં જમીન સંબંધી બાવન કૌભાંડોમાં કમ સે કમ પાંચ કૌભાંડમાં પણ કઠોર કાર્યવાહી કરાશે તો અન્ય મામલાના આરોપીઓને તેનાથી આંચકો લાગશે, એમ ખડસેએ વધુમાં જણાવ્યું હતું.
આ વખતે શિવસેનાના નેતા સુભાષ દેસાઈએ વકતવ્ય આપ્યું હતું. આજે આખા દિવસમાં આબુ આઝમી, વિવેક પાટીલ, પ્રશાંત ઠાકુર, પ્રકાશઅણ્ણા શેંડગે, પ્રવીણ દરેકર, સરદાર તારાસિંહ, રવીન્દ્ર વાયકર ગોપાળ શેટ્ટી વગેરેએ પણ વકતવ્ય આપ્યા હતા.