કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા લોકોના પરિવારજનોને મકાન આપવાના બહાને આ ઈમારત બનવાની શરૂઆત થઈ પરંતુ નિર્માણ કામ પૂર્ણ થાય સુધીમાં આ નેતાઓ, અમલદારો અને સૈન્યના અધિકારીઓની મિલકત બની ગઈ. તેને બનાવવામાં સુરક્ષા નિયમો અને પર્યાવરણ કાયદાઓનું ઉલ્લંઘન કરાયું છે.
વ્હીસલ બ્લોઅર
- આદર્શ સોસાયટી કૌભાંડ સામે લાવવાનો શ્રેય સિમપ્રિતસિંઘને જાય છે. ૩૦ વર્ષના સિમપ્રિતે સામાજિક કાર્યમાં ગ્રેજયુએશન કર્યું છે. ૨૦૦૩માં મેધા પાટકર સાથે તેણે કામ કર્યું છે. મુંબઈમાં તેઓ ઝૂંપડપટ્ટીઓ અને વસાહતો માટે થઈ રહેલા ઘર બચાવો આંદોલનમાં ભાગીદાર છે. પોતાના રિસર્ચમાં સિમપ્રિત જણાવે છે કે ૬૦ ટકા વસ્તી ઝૂંપડપટ્ટીમાં રહે છે પરંતુ તેમની પાસે માત્ર છ ટકા જમીન છે.
શું છે આદર્શ સોસાયટી?
- ૧૯૯૯માં કારગિલ યુદ્ધ બાદ આદર્શ હાઉસિંગ સોસાયટીનું નિર્માણ થયું હતું. શરૂઆતમાં તેના ૪૦ સભ્યો હતા. ત્યારબાદ ૧૦૩ સભ્યો થયા જેમાં ૩૭ સૈન્યના અધિકારીઓ છે. માત્ર ત્રણ સભ્યો જ એવા છે જેમને કારગિલ યુદ્ધ સાથે સંબંધ છે.
ક્યાં છે ઈમારત
- મુંબઈના સૌથી પોશ વિસ્તાર કોલાબામાં કફ પરેડ પર ૬૪૯૦ ચોરસમીટર જમીન પર આ ઈમારત બની છે. બિલ્ડિંગની સામે અંબાણી બંધુઓના ઘરની સી-વન્ડિ છે. ઈમારતની લાઈનમાં જ તાજ પ્રેસિડેન્ટ હોટેલ છે. તેની નજીકમાં છે પશ્ચિમ નૌકાદળની પાંખની મુખ્ય કચેરી.
ફ્લેટની કિંમત
- આદર્શ સોસાયટીમાં ફ્લેટ R ૬૦ લાખમાં ફાળવવામાં આવ્યા હતા પરંતુ હવે બજારમાં તેની કિંમત આઠથી સાડા આઠ કરોડ રૂપિયા માનવામાં આવે છે.
કેવી રીતે થયું કૌભાંડ
- ૧૯૯૯માં આર્મીના અધિકારીઓએ સૈનિકોની વિધવાઓ માટે ઈમારત બાંધવાની ભલામણ કરી.
- ૨૦૦૦માં મહેસૂલ મંત્રી રહેલા અશોક ચવ્હાણે આ ફ્લેટ સામાન્ય લોકોને પણ આપવાની ભલામણ કરી જ્યારે સોસાયટી કારગિલ શહીદોની વિધવાઓના નામથી રજિસ્ટર્ડ હતી.
- ઈમારત નિર્માણ અટકાવી શકતા મહારાષ્ટ્રના તમામ વિભાગોના અધિકારીઓએ ફ્લેટ લઈને મોં સીવી લીધું. જેમાં શહેરી વિકાસ વિભાગ, બીએમસી અને મુંબઈ કલેક્ટર પણ સામેલ છે.
- ઈમારતમાં R ૧૨૫૦થી ઓછી પગાર લેનાર માટે ફ્લેટ રિઝર્વ કરવામાં આવ્યા હતા પરંતુ નેતાઓ અને અધિકારીઓને આ મર્યાદાનું ઉલ્લંઘન કરી ફ્લેટ અપાયા
.
- નિર્માણ પહેલાં પર્યાવરણ વિભાગ પાસેથી પરવાનગી લીધી નથી.
- નિર્માણ કાર્ય પૂરું થતા પહેલાં જ સભ્યોને ફ્લેટનો કબજો સોંપી દેવામાં આવ્યો.
મુશ્કેલી
- નૌકાદળ- મુખ્યકચેરી નજીકમાં હોવાથી સુરક્ષાનું જોખમ, નૌકાદળની પશ્ચિમી પાંખના પ્રમુખ સંજીવ ભસીને સંરક્ષણ મંત્રાલયને પત્ર લખી ઈમારતના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો.
- નિયમ વિરુદ્ધ નિર્માણકાર્ય - ઈમારતની ઊંચાઈ સીમા શરૂઆતમાં ૩૦ મીટર નક્કી કરવામાં આવી હતી જ્યારે તેનું નિર્માણ કરનારાઓએ સો મીટર સુધી બાંધકામ કરી નાખ્યું છે.
- ૨૦૦૬માં મહારાષ્ટ્ર સરકારે વચન આપ્યું હતું કે મલાડ અને માનખુર્દમાં કેટલીક જમીન ઝૂંપડપટ્ટીવાસીઓ માટે રાખવામાં આવશે.
- આ દરમિયાન કોલાબાના રિઝર્વ વિસ્તારમાં આદર્શ સોસાયટીની વૈભવી ઈમારતે શંકા ઊભી કરી હતી.
- ૨૭ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ નૌકાદળ અને આર્મીની કચેરી પાસેથી આદર્શ સોસાયટીને જમીન ફાળવણી અંગે માહિતી અધિકાર હેઠળ જાણકારી માંગવામાં આવી.
- ચાર મહિના પછી મળેલી ફાઈલથી ખબર પડી કે અમલદારોએ કારગિલ યુદ્ધના શહીદોની વિધવાઓના નામે ડગલે ને પગલે ગેરરીતિ આચરી છે.
- ૨૦૦૮ની ફરિયાદ બાદ સંરક્ષણ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલયે તપાસ માટે સોસાયટીને નોટિસ મોકલી.
પૂર્વ સૈન્ય પ્રમુખોનું પણ ઠેકાણું
- આદર્શ સોસાયટીમાં ફ્લેટ મેળવનારાઓમાં પૂર્વ આર્મી ચીફ દીપક કપૂર, એન.સી. વિજ, પૂર્વ આર્મી ઉપપ્રમુખ શાંતનુ ચૌધરી અને પૂર્વ નૌકાદળ પ્રમુખ એડમિરલ માધવેન્દ્ર સિંહ પણ છે.
ફ્લેટ માટે નેતા બન્યા ગરીબ
- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સારસ્વત બેન્કના ચેરમેન સુરેશ પ્રભુએ ફ્લેટ મેળવવા માટે પોતાની આવક રૂ.૨૦ હજાર દર્શાવી છે.
- મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય કન્હૈયાલાલ ગિડવાણીના પરિવાર પાસે સોસાયટીમાં ત્રીસ કરોડના ત્રણ ફ્લેટ છે. તેમણે પોતાની કુલ આવક રૂ.૩૦ હજાર દર્શાવી છે. થોડા મહિના અગાઉ ગિડવાણીએ વર્લીમાં પણ R ૫૭ લાખનો બીજો એક ફ્લેટ ખરીધ્યો છે.
- અશોક ચૌહાણના સાસુ, સાળી અને સાળાના નામે પણ ત્રણ ફ્લેટ ફાળવાયા છે.
- પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર પણ આરોપ છે કે તેમણે ફ્લેટ માટે ૨૦ જણાની ભલામણ કરી હતી.
- એનસીપીના જિતેન્દ્ર અવધ, શ્રીનિવાસ પાટિલ, કોંગ્રેસના બાબાસાહેબ કુપેકર અને કૃષ્ણરાવ પાટિલને પણ નિયમ વિરુદ્ધ ફ્લેટ ફાળવાયા છે.
વર્તમાન સ્થિતિ
- બીએમસીએ બિલ્ડિંગ નિર્માણમાં કરાયેલા ગોટાળા વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરી દીધી છે. થોડા દિવસ અગાઉ બિલ્ડિંગની વીજળી સપ્લાય કાપી લેવાઈ હતી અને પાણી સપ્લાય પણ બંધ કરી દેવાયો છે. પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ બિલ્ડિંગના કેટલાક માળ તોડવા પણ પડી શકે છે.
- સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીએ જાહેરાત કરી છે કે સમગ્ર કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ છે. જે લશ્કરી અધિકારીઓ હજુ પણ સેવામાં છે, તેમના પર આરોપ પુરવાર થતાં સૈન્ય કાનૂન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
- આદર્શ હાઉસિંગ સોસાયટીમાં અશોક ચૌહાણ વર્ષ ૨૦૦૦માં મહેસૂલ મંત્રી હતા ત્યારે ગોટાળાની શરૂઆત થઈ. તેમણે સેના ઉપરાંત સામાન્ય લોકોને પણ સભ્ય બનાવવાની છુટ આપી દીધી હતી.
- સોસાયટીના સભ્ય બનાવીને અશોક ચૌહાણના સાસુ, સાળી અને સાળાને પણ ફ્લેટ ફાળવવામાં આવ્યા.
- અયોગ્ય લોકોને પણ ફ્લેટ મળતા રહ્યા. ફરિયાદો મળવા છતાં મુખ્યમંત્રી અશોક ચૌહાણે કાર્યવાહી કરી નહીં.
- ૨૦૦૪માં બાંદ્રામાં જમીન ફાળવણીમાં પણ અશોક ચૌહાણનું નામ સંડોવાયેલું છે. મહેસૂલ મંત્રી ચૌહાણે ૨૭ સભ્યોની રેણુકા સહકારી સંસ્થાને ૧૦ હજાર ચોરસ મીટર જમીન માત્ર R ૯૫ લાખમાં આપી દીધી હતી. જ્યારે તેની બજારકિંમત રૂ.૧૦૦ કરોડ હતી.
- જમીન મેળવનારામાં મોટાભાગના ચૌહાણના સગાં-સંબંધી, મિત્રો અને સરકારી બાબુઓ હતા.