કાશ્મીરથી આવેલા એક શંકાસ્પદ યુવાને લોખંડવાલા કોમ્પ્લેકસ (અંધેરી)માં રહેતી મોડેલ અને અભિનેત્રી લૈલા ખાન સાથે પરિચય કેળવ્યો હતો. એ યુવતી લૈલા ખાન અચાનક તેના પરિવાર સહિત ગાયબ થઇ ગઇ છે. દરમિયાન એ યુવક પણ ગાયબ થતાં ‘દાળમાં કાળું’ હોવાની શંકા પેદા થઇ છે. એ યુવાન ૧૩/૭ની સ્ફોટક ઘટનાઓમાં સંડોવાયો હોઇ શકે અથવા કોઇ ભાંગફોડિયા કૃત્ય માટે એ મુંબઇમાં આવ્યો હોય એવું બની શકે, એમ પોલીસની ત્રાસવાદ વિરોધી ટુકડી (એટીએસ)ના અધિકારીઓએ જણાવ્યું હતું.
આઠ મહિના પૂર્વે આ કાશ્મીરી યુવાન મુંબઇ આવ્યો હતો. લોખંડવાલા કોમ્પ્લેકસમાં છોટા શકીલના સાગરીત રિયાઝ ભાટીની માલિકીના એક હુકકા પાર્લરમાં લૈલા ખાનની ઓળખાણ પેલા કાશ્મીરી યુવાન સાથે થઇ હતી. એ પરિચય ગાઢ બનતાં બન્નેએ નિકાહ કર્યા હતા. બન્ને એક સપ્તાહ ઇગતપુરી ખાતેના બંગલામાં રહ્યાં હતાં. ત્યાંથી પાછાં ફરતાં જ એ યુવાને લૈલા સાથે પોતાના બધા ફોટોનો નાશ કર્યો હતો. એક નોકરને મોકલીને ઇગતપુરીના બંગલોમાંનો સામાન બાળી નખાવ્યો હતો.
એ બંગલોની તપાસ કરતાં એટીએસના અધિકારીઓ વધુ ગંભીર પ્રકારનું કાવતરું રંધાયું હોવાની ગંધ આવી હતી. લૈલાના કેટલાક આડેધડ ફાડેલા કાપેલા ફોટો એટીએસના અધિકારીઓને એ બંગલોમાં મળ્યા હતા. એ ઠેકાણે રહ્યા હોવાના પુરાવા બાળી નાખવાના ઇરાદાથી બંગલોમાંનો સામાન બાળી નાખ્યો હોવાની શંકા એટીએસના અધિકારીઓ દર્શાવે છે.