પશ્ચિમ રેલવેની ઉપનગરીય સેવામાં ડીસી વીજ વીજ પ્રવાહને સ્થાને એસીવીજ પ્રવાહ સક્રિય થયા પછી વિશેષ રૂપે રેલવે સ્ટેશનોની પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર ‘ઓવરહેડ વાયરમાંથી ૨૫ હજાર વોલ્ટનો વીજ પ્રવાહ પસાર થતો હોવાથી ટ્રેનના ડબ્બાની છત પર બેસીને પ્રવાસ કરવાનું ટાળો’ એવું હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં જણાવતી મૌખિક જાહેરાતો વારંવાર કરાય છે. પરંતુ ઘણા લોકોને એ બધું સાંભળવામાં રસ નથી અથવા અવગણના કરે છે. આવો એક કચ્છી યુવાન કેતન સાવલા (૩૫) ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે ઓવર હેડ વાયરના સ્પર્શથી વીજળીનો આંચકો ખાઇને ટ્રેનના છાપરા પરથી પાટા પર પટકાયો હતો. આંચકો લાગતાં જ એ મૃત્યુ પામ્યો હતો.
‘ડીસી’થી ‘એસી’માં રૂપાંતર પછી પહેલી વખત આ દુર્ઘટના બની હતી. અગાઉ ‘ડીસી’ પદ્ધતિ હતી ત્યારે ૧૫૦૦ વોલ્ટ વીજ પ્રવાહ હતો. પરંતુ તબક્કાવાર રીતે ડીસીનું એસી (ઓલ્ટરનેટિવ કરંટ)માં રૂપાંતર કર્યાg બાદ વીજ પ્રવાહ ૨૫ હજાર વોલ્ટનો થતો હતો. ગયા રવિવારે મહાજમ્બો બ્લોક કરાયો એ વખતમાં આખરી તબક્કાની કાર્યવાહી પાર પડાતાં પશ્ચિમ રેલવેની સમગ્ર ઉપનગરીય સેવામાં ‘એસી’નો અમલ શરૂ થયો. એ નવી વ્યવસ્થા સાથે ટ્રેનોના છાપરાં પર પ્રવાસ કરનારાઓ ઉપરાંત પાટા ઓળંગનારાઓ પર પણ જોખમ વધી ગયું.
કારણ કે વોલ્ટેજમાં જબ્બર વધારા સાથે ટ્રેનોની ગતિ પણ કલાકના ૮૦ કિ. મી. થી વધીને ૧૦૦ કિ. મી. થતાં પાટા ઓળંગનારાનો અંદાજ ખોટો પડે અથવા ટ્રેન રોકવામાં વધુ વાર લાગે કે તેમાં વધારે જોખમ સર્જાય એવી શક્યતાઓ ઉભી થઇ છે. આ બાબતોની જાણકારી રેલવે તંત્ર પ્લેટફોર્મ્સ પર સૂચનાઓ ‘મૌખિક અને લેખિત’ રૂપે આપતું હોવા છતાં આવું બનતું હતું.
કેતનને ૨૫ હજાર વોલ્ટનો આંચકો લાગ્યો -
ઘાટકોપર ખાતે રહેતો કેતન સાવલા ચર્ચગેટ જવા માટે ટ્રેનના ડબ્બાના છાપરે ચડયો હતો. ઉપર ચડતાં જ ઓવરહેડ વાયરનો સહેજ હાથ અડયો. એ ૨૫ હજાર વોલ્ટનો આંચકો એવો જબરદસ્ત હતો કે એ સીધો પાટા પર પટકાયો હતો. નીચે પટકાવાને કારણે કેતન સાવલાના શરીર પર અનેક જખમ પડ્યાં હતાં અને ઇન્ટરનલ ફ્રેકચર્સ પણ હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.
તાત્કાલિક નાયર હોસ્પિટલમાં લઇ જવાતાં પ્રાથમિક તપાસમાં જ મૃત્યુ થઇ ચૂક્યું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. જોકે ખરી વસ્તુસ્થિતિ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળ્યા પછી જ જાણવા મળશે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.