- હેમંત કરકરેએ દિગ્વિજયને ફોન કર્યાના પુરાવા નથી, એ દિગ્વિજય સિંહનું અંગત વિધાન હતું : ગૃહ પ્રધાન
૨૬ નવેમ્બર, ૨૦૦૮ની રાતે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો તેના થોડા કલાકો પૂર્વે મહારાષ્ટ્ર પોલીસની ત્રાસવાદ વિરોધી ટુકડી (એટીએસ)ના વડા હેમંત કરકરેએ પોતાને ફોન કર્યો હોવાના કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહના દાવાને મહારાષ્ટ્ર સરકારે રદિયો આપ્યો હતો. ગૃહપ્રધાન આર. આર. પાટીલે ગુરુવારે વિધાનસભામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘હેમંત કરકરેએ દિગ્વિજયને ફોન કર્યો હોવાના કોઈ પુરાવા નથી. એ દિગ્વિજય સિંહનું અંગત વિધાન-વકતવ્ય હતું.
અગાઉ દિગ્વિજય સિંહે ૨૬/૧૧ના હુમલાના થોડા કલાક પૂર્વે ફોન પરની વાતચીતમાં હેમંત કરકરેએ માલેગાંવ વિસ્ફોટની તપાસના વિરોધીઓ તરફથી પોતાને જીવનું જોખમ હોવાની વાત કરી હોવાનું જણાવીને ખળભળાટ મચાવ્યો હતો. પરંતુ એ વિધાન કર્યા બાદ આજ સુધી દિગ્વિજય કરકરે સાથે પોતે ખરેખર વાતચીત કરી હોવાનું પુરવાર કરી શક્યા નથી.