- ઘરનોકરાણીઓના અધિકારો માટે સ્થાપવામાં આવેલું મહારાષ્ટ્ર રાજ્ય ઘરેલુ કામદાર મંડળે આજથી આઠ જિલ્લામાં રજિસ્ટ્રેશન આરંભ કર્યું
ઘરનોકરાણીઓએ પોતાના હકો માટે તેમણે આપેલી લાંબી લડાઈના ત્રીસ વર્ષ બાદ સફળતાનું મોં જોયું છે. તેમના માટે સ્થાપવામાં આવેલું મહારાષ્ટ્ર રાજ્ય ઘરેલુ કામદાર કલ્યાણ મંડળે તારીખ ૧૪ના સોમવારથી રાજ્યના આઠ જિલ્લામાં નોકરાણીઓના નામનું રજિસ્ટ્રેશન કરવાના કાર્યની શરૂઆત કરી હતી. પહેલા તબક્કામાં મુંબઈ, પુણે, નાગપુર, નાશિક, ઔરંગાબાદ, સોલાપુર અને થાણે જિલ્લામાં આ ઝુંબેશ ચલાવશે ત્યાર બાદ તેનો રાજ્યભરમાં પ્રસાર
કરવામાં આવશે.
ઘરનોકરાણીઓની લડતને સમાચાર માધ્યમે પહેલેથી જ સાથ આપ્યો હતો. પગારમાં વધારો, રજાઓ વગેરે માગણી સબબ પુણેમાં ડેક્કન જિમખાનાના વિસ્તારમાં નોકરાણીઓએ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૮૦ના અચાનક સ્વયંસ્ફૂર્ત હડતાળ પાડી હતી. આ હડતાળને પગલે ઘરનોકરાણીઓના વેતનમાં પાંચ રૂપિયાથી ૨૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘરનોકરાણીઓનું એક સંગઠન ઊભું થયું હતું.
પુણેની સાથે જ નાગપુર, કોલ્હાપુર ખાતે ઘરનોકરાણીઓના યુનિયનોએ પણ તેમની માગણીઓ માટે ત્રીસ વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. રાજ્ય સરાકરે ઘરનોકરો-નોકરાણીઓ માટે અલગ કાયદો કર્યા બાદ ઉપરોકત મંડળની સ્થાપના કરવામાં અઢી વર્ષનો સમયગાળો વીતી ગયો હતો. એક મરાઠી અખબારે આ મંડળના નિર્ણયો સબબ છેલ્લા બે મહિનાથી ઝીણવટભરી નજર રાખી હતી અને પીઠબળ આપ્યું હતું.
રાજ્યમાં કપડાં અને રસોઈ વગેરે કામ કરનારી અંદાજે પંદર લાખ ઘરનોકરાણીઓ છે.આ નોકરાણીઓ ઘરેલુ કામદાર કલ્યાણ મંડળની સભ્ય બનશે તો તેને જનશ્રી યોજનામાં ભાગ લેવાની યોગ્યતા પ્રાપ્ત થશે તેમ જ મંડળ દ્વારા અમલમાં મુકાનારી અન્ય યોજનાનો લાભ પણ મળી શકશે. મંડળ દ્વારા સૌ પ્રથમ નામો નોંધવાની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.