વરિષ્ઠ પત્રકાર જયોતિર્મય ડેની હત્યાનો ગુનો ઉકેલનારી મુંબઈ પોલીસની ગુના શાખા (ક્રાઈમ બ્રાંચ)ની ટુકડીને મુંબઈ પોલીસ દળનો દીપક જોગ બેસ્ટ ડિટેકશન એવોર્ડ અનાયત કરાયો હતો. ગુરુવારે ગુનાની સંખ્યા, ગુનાના પ્રકાર અને ગુના ઉકેલવાના પ્રમાણના વિશ્લેષણ માટેની બેઠક દરમિયાન રાજ્યના દસ માજી પોલીસ મહાનિયમકોની હાજરીમાં દીપક જોગ ટ્રોફી ક્રાઈમ બ્રાંચની ટીમને એનાયત કરાઈ. વર્ષ ૧૯૯૮માં શરૂ કરાયેલું આ પારિતોષિક વર્ષ ૨૦૦૫માં ત્યારના વરિષ્ઠ અધિકારીઓના વિવાદમાં બંધ કરાયા હતા.
મુંબઈ પોલીસ દળમાં અત્યંત સન્માનનીય ગણાતું આ પારિતોષિક છેલ્લાં છ વર્ષોથી વરિષ્ઠ અમલદારોની બેદરકારીને કારણે કોઈને અપાયું નહોતું. ગયા જુન મહિનામાં પવઈ વિસ્તારમાં છોટા રાજન ગેંગના ગુંડાઓએ ભરબજારમાં ગોળીબાર કરીને જયોતિર્મય ડેને ખતમ કર્યા એ વખતથી ગુનાનું કારણ ચર્ચાનો વિષય બન્યું હતું.
પત્રકાર સંગઠનો અને માનવ અધિકાર સંસ્થાઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે સવાલ કરતા હતા. તેથી પોલીસ સમક્ષ આ જટિલ ગુનાની તપાસનો પડકાર હતો. આ પ્રકરણમાં ઊંડી તપાસ કરતાં હત્યા છોટા રાજને જ કરાવ્યાનું સ્પષ્ટ થયું હતું. એ મુજબ પોલીસે જેડેના હત્યારા રોહિત થંગપ્પા શેટ્ટી, છોટા રાજનના સાથી વિનોદ ચેમ્બુર, ડી. કે. રાવ વગેરે સહિત તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. તે ઉપરાંત એક મહિલા પત્રકાર જિજ્ઞા વોરાની પણ ‘સક્રિય સહભાગ’ બદલ ધરપકડ કરાઈ.