મુંબઈની ટેક્સીની ઝટ ઓળખ આપનારો કાળો-પીળો રંગ હવે ઈતિહાસ બની જશે, કારણ કે નવા રંગ સંયોજન (કલર સ્કીમ)ની શોધ આખરે પૂર્ણ થઈ છે. ‘પીચ ક્રીમ રંગની ઉપર નટ બ્રાઉન રંગનો પેચ’ ધરાવતી નવી ઓળખ ધારણ કરીને ટેક્સીઓ હવે નવા સ્વરૂપે મુંબઈના રસ્તા ઉપર દોડશે. બ્રાઈટ રંગોથી નદરે ચઢનારી મુંબઈના આ ઓળખ હવે નવા રંગ સંયોજનથી થોડી ફિક્કી પડશે.
મુંબઈની ટેક્સીનો રંગ બદલવાની યોજના પરિવહન (ટ્રાન્સપોર્ટ)પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલની હતી. ટેક્સીની હાલની કલર સ્કીમ બદલવાના આશયથી જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓ પાસેથી નવા કલર માટે દરખાસ્તો મગાવી હતી. એ પછી તેમણે ટ્રાન્સપોર્ટ-ટ્રાફિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરીને પીચ ક્રીમ રંગની ટેક્સી અને ટેક્સીના બોનેટથી ટોપ અને ડિકી સુધી નટ બ્રાઉન રંગનો પેચ હોય તેવી કલર સ્કીમ સૂચવી હતી.
નવી કલર સ્કીમનો આર્થિક બાર ટેક્સી ચાલકો પર ન પડે તે માટે કંપનીમાંથી જ આ પ્રકારના રંગ-સંયોજનવાળી ટેક્સીઓ રસ્તા ઉપર આવશે. એ માટે કાર ઉત્પાદક કંપનીના પ્રતિનિધિઓ સાથે આવતા સપ્તાહે એક બેઠક યોજાશે.
અંદરના રંગરૂપ પણ બદલાશે
ફક્ત બાહ્ય રંગ નહીં, પણ ટેક્સીનો અંદરનો દેખાવ પણ બદલવાની યોજના પણ છે. અંદરની બેઠકો અને ઇન્ટિરિયર સારું હોય તે માટેના પ્રયાસો ચાલુ છે. કલરસ્કીમ અને અંદરનો દેખાવ બદલવાની સાથે ટેક્સી ચાલકોની માનસિકતા સુદ્ધાં બદલવાનો પ્રયાસ કરવામાં આવશે, એમ વિખે પાટીલે કહ્યું હતું.
અન્ય દેશોમાં ટેક્સીનો રંગ
કાળા-પીળા રંગની ટેક્સી વિશ્વના કોઈ પણ દેશમાં દોડતી નથી. સિંગાપુરમાં આકાશી ભૂરા, પેરિસમાં પીળા અને લંડનમાં કાળા રંગની ટેક્સી દોડે છે. યુરોપમાં પીચ ક્રીમ રંગની નજીકના રંગવાળી ટેક્સીઓ દોડે છે.