હાલમાં મુંબઈના રસ્તા પર ‘સ્કૂલ વાન’ દોડવા માંડી છે પરંતુ થાણેમાં સ્કૂલ વાનને આરટીઓ રજિસ્ટ્રેશન આપતું નહીં હોવાથી સ્કૂલ વાન ચાલકો હતાશ - પરેશાન થાય છે મુંબઈમાં ‘સ્કૂલ વાન’ને ગ્રીન સિગ્નલ આપનાર આરટીઓએ થાણે જિલ્લામાં ‘સ્કૂલ વાન’ને રેડ સિગ્નલ આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓની સુરક્ષિત હેરફેર માટે વાહનવ્યવહાર ખાતાએ મારુતિ ઓમ્ની, સુમો અને ટેમ્પો ટ્રાવેલર એમ ત્રણ પ્રકારનાં વાહનોને માન્યતા આપી છે, પરંતુ મારુતિ ઓમ્ની કિફાયતી હોવાથી મોટા ભાગના ‘સ્કૂલ વાન’ ચાલકો એ વાહનને જ સૌથી વધુ પસંદ કરે છે. મુંબઈમાં ‘મારુતિ ઓમ્ની’ની સ્કૂલ વાનો દોડતી થઈ છે પણ થાણેમાં માન્યતાને અભાવે તેની શરૂઆત થઈ નથી.
થાણેમાં ૫૦૦ યુવાનો મારુતિ ઓમ્નીને સ્કૂલ વાન તરીકે દોડાવવા માટે ઉત્સુક છે. પરંતુ થાણે આરટીઓ કચેરી દ્વારા વાહન ચાલકોને ઈરાદાપત્ર આપવામાં આવતું નથી. ઈરાદાપત્ર આપવામાં આવે તો એ રજુ કરીને પરમિટ મેળવી શકાય છે અને તેને આધારે વાહનચાલકને બેન્કમાંથી ધિરાણ-કરજ પણ મળે છે.
આ બાબતમાં સરકારના આદેશની પ્રત મળી નહીં હોવાથી ઈરાદાપત્રોનું વિતરણ કરવામાં આવતું નહીં હોવાનું થાણે આરટીઓ કહે છે.
મુંબઈના ત્રણેય આરટીઓ તરફથી અગાઉ ઈરાદાપત્રો વિતરિત કરાઈ ચૂક્યા છે. પરંતુ થાણે આરટીઓએ નિયમનું ઓઠું લઈને ઈરાદાપત્રો વિતરિત નહીં કરતા થાણે, વાશી, પનવેલ, ડોમ્બિવલી, મુંબ્રા અને કલ્યાણના સ્કૂલ વાન ચાલકો હતાશ થયા છે. આ બાબતે થાણેની ‘વિદ્યાર્થી વાહતુક સંઘટના’એ જાહેર હિતની અરજી વડી અદાલતમાં કરવા માટે તૈયારી કરી છે.