એનજીઓ ઈન્ડિયન ડેવલપમેન્ટ ફાઉન્ડેશને (આઈડીએફ) એશિયાની બીજી સૌથી મોટી ઝૂંપડપટ્ટી મલાડ સ્થિત માલવણી ઝૂંપડપટ્ટીને સાફ કરવાનું બીડું ઝડપ્યું છે. ‘માય માલવણી મસ્ત માલવણી’ નામના આ સ્વચ્છતા કાર્યક્રમનું ઉદ્ઘાટન આઈડીએફના સ્થાપક સંસ્થાપક ડૉ. એઆરકે પિલ્લેઈએ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભારતીય લોકોને સ્વછતાના મૂળભૂત સિદ્ધાંતો વિશે કેળવણી આપવી જરૂરી છે, કારણ કે સ્વચ્છતામાં ભારતનો નંબર વિકસિત અને વિકાસશીલ દેશોમાં નીચે આવે છે.
આ પ્રસંગે રોટેરિયન લતા સુબ્રાઈડુ, ઈસ્કોન સંસ્થાના પ્રભુ રાધાકૃષ્ણદાસ, હોલી એન્જલ્સ સ્કૂલના પ્રિન્સપાલ લાયન સિમોન, ફિરોઝ શેખ સહિત અન્ય કેળવણીકારો અને બોલિવૂડમાંથી ઈકબાલ ખાન, સુશાંત સિંહ, તનુ વિદ્યાર્થી અને સુમિત કૌલ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જાગૃતિ અભિયાન, નાનાં નાટકો, સ્ટ્રીટપ્લે, નિબંધ સ્પર્ધા અને ચિત્રકામ સ્પર્ધાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે એનસીસી એનએસએસ અને યુસોડિયમ પરફોર્મિંગ આર્ટસના સ્વયંસેવકો દ્વારા લગભગ ૫૦ સ્ટ્રીટપ્લે યોજવામાં આવશે. આઈડીએફ આ પ્રોજકટ પાઈલટ ધોરણે કરી રહી છે. તેની સફળતા બાદ આ પ્રોજેક્ટને ભારતના અન્ય ભાગમાં પણ શરૂ કરવામાં આવશે.