જુહુ વિસ્તારમાં પોતાના ઘર પાસેની પસાર થનારી મેટ્રો રેલવેની લાઈન સામે પોતાને કોઈ વાંધો નહીં હોવાની સ્પષ્ટતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કરી હતી. તાજેતરમાં મેટ્રો રેલવેની લાઈન જુહુ ખાતે પ્રતિક્ષા બંગલા પાસેથી પસાર થવા સામે અમિતાભે તેમના બ્લોગ પરના લખાણમાં નારાજગી વ્યક્ત કરી હોવાના સમાચાર પ્રગટ થયા હતા.
આ સમાચાર ગેરસમજ પર આધારિત હોવનું તેમણે જણાવ્યું હતું.આ સમાચાર બાબતે સ્પષ્ટતા કરતાં અમિતાભે જણાવ્યું હતું કે ‘‘જે મુંબઈ અને સ્થાનિક લોકોએ મને હૃદયમાં સ્થાન આપ્યું હોય, એ શહેરના લોકોની સગવડ માટેની કોઈપણ યોજના સામે મને કે મારા કુટુંબના કોઈ સભ્યને વાંધો હોઈ શકે નહીં. શહેરના ભવિષ્ય અને વિકાસ માટે હાથ ધરાતી પ્રત્યેક યોજના માટે મને તથા મારા પરિવારને પૂરેપૂરું માન છે.’’
‘‘મારા બ્લોગ પર મારા હૃદયની વાત લખાય છે અને મેટ્રો રેલવેની બાબતમાં સ્પષ્ટ લખ્યું છે કે શહેરના પ્રવાસીઓને ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેનો તેમ જ મનમોજી થ્રી વ્હીલર્સ (રિક્ષાવાળા) અને કાળીપીળી ટેક્સીવાળાઓની પરેશાનીથી પ્રવાસીઓને મુક્તિ મળે એ સૌની ખુશીની વાત છે. એ લખાણના અંતમાં મેં ‘સાથી મુસાફરોનું સ્વાગત છે’ એવા શબ્દો લખ્યા છે. તેનો અર્થ એવો કે એ સાથી મુસાફરોમાં મારો સમાવેશ છે.
બ્લોગ પરનું મારું લખાણ પૂરેપૂરું વાંચવાનો આપ સૌને મારો અનુરોધ છે. તેમાંથી અમુક શબ્દો તારવીને વાર્તાઓ ઊપજાવી કાઢીને બિનજરૂરી સનસનાટી પેદા કરવી વાજબી નથી. મને મુંબઈકર હોવાનો ગર્વ છે અને શહેરમાં થતા વિકાસલક્ષી ફેરફારોનું હું સ્વાગત કરું છું,’’ એમ અમિતાભ બચ્ચને સ્પષ્ટતામાં જણાવ્યું હતું.