કેન્દ્રના ખેતીવાડી ખાતાના પ્રધાન શરદ પવાર સરકારી ગોદામોમાં ઘઉં સડી જવાની ઘટનાઓ માટે પોતાને જવાબદાર માનતા નથી. તેમનું કહેવું છે કે અગાઉ અનેક વખત આથી વધુ નુકસાન થઈ ચૂક્યું છે. અનાજના અતિરિકત (સરપ્લસ) જથ્થાને કારણે આવું બન્યું હોવાનું તેઓ માને છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના નેતાઓ પર પ્રહાર કરતાં જણાવ્યું કે ‘‘સૌપ્રથમ તેમણે કિંમતો નિર્ધારિત કરવાની પ્રક્રિયા વિશે જાણકારી મેળવવી જોઈએ’’ પવારે વેતનવૃદ્ધિ વિશે ધાંધલ મચાવનારા સાંસદોની પણ ટીકા કરી હતી. શનિવારે મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોના સંમેલનને સંબોધતાં તેમણે સંખ્યાબંધ બાબતોમાં પ્રહારો, વિધાનો, ટીકાઓ, સ્પષ્ટતા કર્યા હતા.
આ નિમિત્તે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આવું પહેલી વખત બન્યું નથી. સરકારી ગોદામોમાં અનાજ સડી જવાની આ પહેલી ઘટના નથી. અગાઉ આ રીતે અનાજ સડી જવાને લીધે વર્ષ ૨૦૦૩માં R ૧૯ કરોડ, વર્ષ ૨૦૦૪માં R ૧૦ કરોડ, વર્ષ ૨૦૦૬માં R ૬ કરોડ, વર્ષ ૨૦૦૯માં R ૩ કરોડ અને આ વર્ષે R ૬ કરોડનું નુકસાન થયું છે. દેશને ચાર કરોડ ટન ઘઉંની જરૂર હોય છે અને અત્યારે આપણી પાસે છ કરોડ ટન ઘઉં છે. ઘઉંના અતિરિક્ત જથ્થાને કારણે ભંડારણ (વેરહાઉસિંગ-સ્ટોક રાખવાની) સમસ્યા થઈ રહી છે.
એક સવાલના જવાબમાં શરદ પવારે જણાવ્યું કે ‘‘સૌપ્રથમ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ કિંમતોના નિર્ધારણની પ્રક્રિયા વ્યવસ્થિત સમજવી જોઈએ. આ મૂલ્ય નિર્ધારણ સમિતિમાં કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ છે. અને એ સમિતિના અધ્યક્ષકોંગ્રેસના અગ્રણી નેતા અને દેશના નાણાપ્રધાન પ્રણવ મુખરજી છે.’’