હાઈપર ટેન્શનથી પીડાતા સુરતના ૪૦ વર્ષીય વિપુલ ઠાકોરભાઈ પટેલને બાયપાસ સર્જરી સાથે બેન્ટાલ પ્રોસીજર કરીને તેમનો જીવ બચાવવામાં એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના વડા ડૉ. રમાકાંત પાંડાને સફળતા મળી હતી. બેન્ટાલ પ્રોસીજરમાં ડૉ. પાંડાએ વાલ્વ બદલવાને બદલે વિપુલભાઈના હૃદયનો અસલ કુદરતી વાલ્વ દુરુસ્ત (રિપેર) કરીને બચાવી લીધો હતો.
પીઠદર્દ, બ્રેડી કાર્ડિયા અને હાઈપર ટેન્શનની વ્યાધિઓ સહિત હૃદયરોગની સારવાર માટે વિપુલ પટેલને ૧૪ ઓગસ્ટે સુરતની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં એન્જિયોગ્રાફી દરમિયાન તેમને હૃદયમાં તકલીફ થતાં શ્વાસોચ્છવાસ માટે વેન્ટીલેટર પર રખાયા હતા. તેમની સ્થિતિ સુધરતાં એન્જિયોગ્રાફી કરાઈ ત્યારે તેમને ‘સિંગલ વેસલ કોરોનરી આર્ટરીડિસીઝ’ હોવાનું નિદાન થયું હતું. તેથી એ જ દિવસે તેમની એન્જિયો પ્લાસ્ટી કરાઈ હતી.
એ સારવાર પુરતી નહીં જણાતાં તમાકુ-ધૂમ્રપાન અથવા શરાબના વ્યસનો નહીં ધરાવતા નોન ડાયાબેટિક દર્દી વિપુલભાઈને પછીથી એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ વેન્ટીલેટર પર હતા. તેમને સેપ્ટીસેમિયા પણ હતો. બ્લડ પ્રેશર પણ ઘટી રહ્યું હતું. ડૉ. પાંડા એ પહેલી વખત તેમને તપાસ્યા ત્યારે સ્થિતિ સ્થિર ન થાય ત્યાર સુધી એટલે કે લગભગ એકાદ મહિનો નગિરાણી-સારવારમાં રાખવા જણાવ્યું હતું. ગયા મહિને સર્જરી કરાઈ ત્યારે એ લાંબો પ્રોસીજર હતો. પરંતુ તેના પરિણામો સંતોષકારક આવ્યા હતા.