વિશાળ અશ્વશાળા- સ્ટડ ફાર્મના માલિક એવા હસનઅલી ખાનના કોરેગાંવ પાર્કના વૈભવી રહેઠાણ પર સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ વ્યાપક તપાસ હાથ ધરી હતી.
હસન અલી ખાન પર કરોડો રૂપિયાની ગેરકાયદે હેરફેર અને કરચોરીના આરોપ મુકાયા છે, જે આંક R ૪૦,૦૦૦ કરોડ માનવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે સરકારને ‘‘કાળાં નાણાં સંગ્રહ અને સગેવગે કરનારાઓ સામે શી કાર્યવાહી કરાય છે?’’ તેની જાણ કરવા ૮ માર્ચની મુદત આપી હતી. એ મુદત પૂરી થવાના એક દિવસ પૂર્વે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની બે ટુકડીઓ મુંબઈથી પુણે પહોંચી હતી.
ત્યાં વૈભવી કોરેગાંવ પાર્ક વિસ્તારની વેલેન્ટાઈન સોસાયટીમાં હસનઅલી ખાનના બંગલે તેમણે તપાસ ચલાવી હતી. ખાનની આકરી પૂછપરછ બાદ સાંજે તેને મર્સિડીઝમાં પત્ની રીમા સાથે મુંબઈમાં લાવવામાં આવ્યાં હતાં, જ્યાં ઈડીએ બંનેને સાણસામાં લઈને મોડી રાત સુધી પૂછપરછ કરી હતી.
વ્યવસાયે રિયલ એસ્ટેટ કન્સલ્ટંટ અને અશ્વશાળાના માલિક હસનઅલી ખાન ઘણા વખતથી હવાલા કૌભાંડ તથા નાણાંની ગેરકાયદે હેરફેરની શંકા પરથી સરકારી તપાસ સંસ્થાઓની નજરમાં છે. ખાને વિદેશી નાગરિકોની મદદથી ગેરકાયદેસર રીતે રોકડ નાણાં અને મૂલ્યવાન ચીજવસ્તુઓ પરદેશે મોકલી હોવાની શંકા હેઠળ તેમની સામે તપાસ ચાલે છે.
અગાઉ જાન્યુઆરી ૨૦૦૭માં હસનઅલી ખાનના કોરેગાંવ પાર્ક સ્થિત નિવાસસ્થાને તપાસ ચલાવાઈ હતી. એ વખતમાં આવકવેરા ખાતાએ ખાનના રહેઠાણે દરોડો પાડ્યો હતો. ખાને સ્વિટ્ઝર્લેન્ડની બેન્કોમાં આઠ અબજ અમેરિકી ડોલર સગેવગે કર્યા હોવાનું કહેવાય છે. તે અત્યારે મુંબઈમાં તબીબી સારવાર લઈ રહ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ માટે ૧૦ માચેઁ ‘રૂબર હાજર થવાની સૂચના આપી છે. જોકે અત્યાર સુધી તેમની સામે કોઈ ગુનો નોંધાયો નથી. પરંતુ ૧૦ માચેઁ ધરપકડની શક્યતા ટાળી ન શકાય.
યુબીએસ બેન્કની ઝુરિચ શાખામાં મુકાયેલા મનાતા આઠ અબજ ડોલર સહિત વિવિધ વિદેશી બેન્કોનાં ખાતાંમાં મુકાયેલાં નાણાં અને એ સંબંધે કથિત કરચોરીના સંદર્ભમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ અપાયેલી નોટિસ અંગે ૧૮ ફેબ્રુઆરીએ ખાન મુંબઈમાં આવકવેરા ખાતાના સત્તાવાળાઓ સમક્ષ હાજર થયા હતા. જોકે યુબીએસ બેન્કે ખાન સાથે કોઈપણ ધંધાદારી સંબંધોનો ઈનકાર કર્યો હતો.હવે કરવેરા સંબંધી સરકારી તંત્રો ખાનની વિદેશોમાં ફેલાયેલી મિલકતોની તપાસ કરી રહ્યા છે.
જેથી તેમના કરવેરાના બાકી નીકળતાં નાણાંની જંગી રકમની વસૂલાત માટે એ મિલકતો પર ટાંચ લાવી શકાય અથવા એ મિલકતોનું લિલામ કરી શકાય હસનઅલી પાસે કરવેરાના ૪૦ હજાર કરોડ રૂપિયા લેણાં નીકળે છે. ગુરુવારે સર્વોચ્ચ અદાલતે કાળાં નાણાંના સંગ્રહખોરો અને હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી માટે ‘ઈચ્છા શક્તિના અભાવ’ બદલ સરકારને ઠપકો આપતાં તપાસ સંસ્થાઓ પાસે હસનઅલી ખાન તથા તેમના જેવા અન્યો વિરુદ્ધ કાર્યવાહી માટે પુરતી સામગ્રી હોવા છતાં તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કેમ કરાતી નથી? એવો પ્રશ્ન કર્યો હતો.
અદાલતે રોષ પૂર્વક ‘આ દેશમાં આ શું મનફાવે તેમ ચાલી રહ્યું છે?’ એવો સવાલ પણ કર્યો હતો. કથિત ગુનેગારોને ‘લાડ’ કરાવાતા હોવાની ટપિ્પણ કરતાં અદાલતે ખાન તથા તેના જેવા અન્ય કથિત ગુનેગારોને મુદતો લંબાવવા વારંવાર અપાતા અવસર સામે નારાજગી દર્શાવી હતી.
તમામ વિમાનમથકોને લૂક આઉટ સર્ક્યુલર પાઠવ્યો
કોર્ટે અગાઉ તમામ વિમાનમથકોને લૂક આઉટ સર્ક્યુલર પાઠવ્યો હતો અદાલતની પીઠે કેન્દ્ર સરકારને ૮ માર્ચ સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાની સૂચના આપતાં જણાવ્યું હતું કે અન્યથા ‘યોગ્ય આદેશો’ બહાર પાડવાની અમને ફરજ પડશે. ગયા શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ખાન પરદેશ નાસી ન જાય એ માટે તેની સામે ‘લૂક આઉટ સર્ક્યુલર’ તમામ વિમાન મથકોને મોકલ્યો હતો.