જ્ઞાતિઓનો ઈતિહાસ, કુળદેવીઓ સંબંધી માહિતી, વતનની માહિતી, સંસ્કૃત અને કર્મકાંડ શીખવાના સંપર્કો વગેરે વિગતો ઉમેરાશે
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ગુજરાતી બ્રાહ્મણોના ઈન્ટરનેટ પર સંપર્ક સેતુ એવી ઈન્ટરનેશનલ ગુજરાતી બ્રાહ્મણ મહાસંઘની વેબસાઈટ માયઆઈજીબીએમ ડોટ કોમનું ઉદ્ઘાટન શનિવાર, તા. ૨૨ ઓક્ટોબરે મહાસંઘના પ્રમુખ દિલીપ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો વિનોદ ત્રિવેદી, શશીકાંત વ્યાસ, વીરેન્દ્ર પંડયા, રાજેન્દ્રર ભટ્ટ, સંદીપ પટેલ વગેરે ઉપસ્થિત હતા.
‘ગુજરાતી બ્રાહ્મણોના પરણવાલાયક સંતાનો માટે યોગ્ય પાત્રો શોધવાના હેતુ માટે ઉપયોગી થવા ઉપરાંત અન્ય અનેક બાબતોમાં સમાજ માટે આ વેબસાઈટ ઉપયોગી છે. આ સેવાનો પ્રસાર ગુજરાતના નાના શહેરો તેમ જ દૂર દૂરના દેશો સુધી કરાઈ રહ્યો છે. વેબસાઈટમાં મહાસંઘના કાર્યક્રમોની વિગતો પણ અપ ડેટ કરાતી રહેશે.
ટૂંક સમયમાં બ્રાહ્મણ જ્ઞાતિઓનો ઈતિહાસ, કુળદેવીઓ સંબંધી માહિતી, વતનની માહિતી, સંસ્કૃત ભાષા અને કર્મકાંડ શીખવાના સંપર્કો વગેરે વિગતો તબક્કાવાર રીતે વેબસાઈટમાં ઉમેરાશે,’ એમ સંસ્થાના ઉપપ્રમુખ વિનોદભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.
વધુમાં ઉમેર્યું હતું કે સંસ્થાની ભાવિ યોજનાઓમાં બિઝનેસ ડિરેક્ટરી, પ્રોફેશનલ ડિરેક્ટરી, વસતી પત્રક, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, જ્ઞાતિ સંસ્થાઓનું વેબપેજ વગેરે કાર્યક્રમોનો સમાવેશ છે.’’ દિલીપભાઈ ત્રિવેદીએ સમાપન અને વીરેન્દ્ર પંડયાએ આભાર વિધિ કરી હતી. રાજેન્દ્રર ભટ્ટ અને સંદીપ પટેલે ઉપસ્થિતિ સમક્ષ વેબસાઈટનું પ્રાત્યક્ષિક રજુ કર્યું હતું.