બાળકીના કહેવાતા બલિદાનના કેસમાં સ્થાનિક પોલીસે ગુનાની તપાસમાં કોઈ આશા ન દેખાતી હોવાનો દાવો કર્યા બાદ મુંબઈ હાઈ કોર્ટે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને કેસની તપાસના સૂત્રો સંભાળી લેવા જણાવ્યું હતું.
૧૪ ઓક્ટોબર, ૨૦૦૯થી તેના બોરીવલીના ઘરમાંથી લાપતા થયેલી ત્રણ વર્ષની શ્રેયાના પિતા ઉપેન્દ્ર રાયે કરેલી સ્વતંત્ર એજન્સી દ્વારા કેસની તપાસની માગણી કરતી અરજી કોર્ટ સાંભળતી હતી. જોકે ઘરની નજીકમાં થતા બાંધકામના સ્થળ પરથી ૩ ડિસેમ્બર, ૨૦૦૯ના છોકરીનું હાડપિંજર મળ્યું હતું.
જસ્ટિસ એ. એમ ખાનવિલકર અને જસ્ટિસ યુ. ડી. સાળવીની બનેલી હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે ક્રાઈમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીને તપાસના સૂત્રો સંભાળી લેવા અને ચાર સપ્તાહમાં તપાસમાં પ્રગતિનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું.
કોર્ટે એવું નિરીક્ષણ કર્યું હતું કે, ‘કેસના તપાસકર્તા અધિકારીએ તેમનાથી શક્ય હોય એટલા તમામ પ્રયાસો કરી લીધા હોવાનું કહ્યું એ સત્ય સાથે જે સંજોગોમાં બાળકી મૃતાવસ્થામાં મળી તે બાબતને સાંકળતાં પોલીસ કમિશનરને આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવાનું જણાવવું અમને યોગ્ય લાગે છે.’
રાયના એડવોકેટ આનંદ જોન્ધળેએ એવી દલીલ કરી હતી કે, બાળકીનો શિરચ્છેદ કરાયો હતો અને તેનાં વાળ ગાયબ હતા. તેમણે કહ્યું હતું કે, પાસેના મંદિરના પૂજારી પર તેમને શંકા હોવાનું પોલીસને જણાવ્યું હતું. તેમની અરજીની સાથે ફોરેન્સિક આકિeયોલોજી ક્રાઈમ અને આંતરરાષ્ટ્રીય તપાસ કાર્યનાં નિષ્ણાત રોમા ખાને તૈયાર કરેલો અહેવાલ જોડવામાં આવ્યો હતો. તેમણે અહેવાલમાં શ્રેયા બાળ-બલિદાનનો શિકાર બની હતી. ખાન કુખ્યાત નિઠારી કાંડની તપાસમાં સંકળાયેલાં હતાં.