ધડાકામાં એમોનિયમ નાઈટ્રેટ, લો ઈન્ટેન્સિટી એક્સ્પ્લોઝિવ અને મોબાઈલ ફોનનો વપરાશ પ્રથમદર્શી રીતે જણાય છે
મુંબઈમાં બુધવારે થયેલા વિસ્ફોટો અને પુણેની જર્મન બેકરીમાં થયેલા ધડાકા વચ્ચે સમાનતાની શક્યતા પોલીસ તપાસે છે. તે ઉપરાંત અગાઉ મુંબઈથી કરાયેલા બે ઈમેલ અંગે પણ યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરાઈ છે. આ વિસ્ફોટોનું કોઈ પુણે કનેકશન હોવા અંગે પણ પૂછપરછ ચાલે છે.
મુંબઈના ધડાકામાં એમોનિયમ નાઈટ્રેટ, લો ઈન્ટેન્સિટી એક્સ્પ્લોઝિવ અને મોબાઈલ ફોનનો વપરાશ પ્રથમદર્શી રીતે જણાય છે. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ થયેલા વિસ્ફોટોમાં પણ આ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પુણે વિસ્ફોટમાં વપરાયેલો મોબાઈલ સેટ દક્ષિણ મુંબઈના એમ. આર. એ. માર્ગ પોલીસ સ્ટેશનથી નજીકના મનીષ માર્કેટમાંથી ખરીદવામાં આવ્યો હતો, એવી માહિતી હાલ જેલવાસ ભોગવતા હિમાયત બેગે આપી હતી.
વિસ્ફોટની અન્ય શક્યતાઓમાંથી ઈમેલ અંગે પણ ફરી તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હીમાં રાષ્ટ્રકુળ રમતોત્સવ (કોમનવેલ્થ ગેમ્સ) દરમિયાન ગત તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ જામા મિસ્જદ પાસે ગોળીબારની ઘટના બાદ ઈન્ડિયન મુજાહિદ્દીને વિવિધ પ્રસાર માધ્યમોને ઈમેલ મોકલીને એ ઘટનાની જવાબદારી લીધી હતી. એ સંદેશો દક્ષિણ મુંબઈથી ઈમેલ કરીને મોકલવામાં આવ્યો હતો. એ માટે જીપીઆરએસની સુવિધા ધરાવતો મોબાઈલ ફોન વપરાયો હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું.
આ ઉપરાંત વારાણસીના અશ્વમેઘ ઘાટ પર ગત તા. ૭ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ ધડાકો થયા પછી પ્રસાર માધ્યમોને ઈમેલ મોકલીને ઈન્ડિયન મુજાહિદ્દીને તેની જવાબદારી લીધી હતી.
આ ઈમેલ નવી મુંબઈના વાશી ખાતેના ખાનગી સ્થળનું વાઈફાઈ નેટવર્ક ‘હેક’ કરીને મોકલવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. બન્ને ઈમેલ મોકલનાર વ્યક્તિઓ હજુ પોલીસને સાંપડી નથી.
ઈન્ડિયન મુજાહિદ્દીનના સક્રિય જુથમાં ઈન્ટરનેટ વાપરનારાઓનો સમાવેશ છે. તેમનું અગાઉનું મથક પુણેમાં હતું. એ મથક મુંબઈ પોલીસની ગુના શાખા (ક્રાઈમ બ્રાંચ)એ ખતમ કર્યા બાદ એ જુથ રાયગઢ અને પુણે જિલ્લાના અમુક ઠેકાણાં, નવી મુંબઈ અને થાણે ક્ષેત્રોમાં તંબુ તાણીને સક્રિય રહેતા હોવાનું ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું.
પુણેની જર્મન બેકરીમાં બોમ્બ મુકાયા બાદ લગભગ અઢી કલાકે એ ફાટ્યો હતો. તેને માટે મોબાઈલ ફોનમાંના ‘એલાર્મ’નો ઉપયોગ કરાયો હતો.
સ્ફોટકો સાથે મોબાઈલ ફોન અથવા ભીંત પરના ઘડીયાળો જોડીને બોમ્બ બનાવવામાં રિયાઝ ભટકલ ઉસ્તાદ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સ્ફોટકો વાપરવામાં પૂનાના એક શખસનો પણ સહયોગ મળ્યો હોવાની સખત શંકા હોવાથી સંબંધિતોની શોધ ચાલે છે.