ગણેશમૂર્તિઓ બનાવનારાઓ બારે માસ આ વ્યવસાયમાં જોડાયેલા હોતા નથી. પ્રાસંગિક અથવા મોસમી પ્રકારનો આ ધંધો કરનારાઓએ વર્ષના બાકીના દિવસોમાં અન્ય વ્યવસાય તરફ મીટ માંડવી પડે છે. પ્રત્યેક મૂર્તિ તૈયાર કરવાની ત્રણ મહિનાથી શરૂઆત કરવી પડે છે, વળી હજાર રૂપિયાથી વધુ કિંમતની મૂર્તિ તૈયાર કરવા માટે ચાર મહિનાનો સમયગાળો જરૂરી બને છે.
ઓછો નફો અને બહોળી મહેનત માંગતા આ ધંધા માટેની મૂડી માટે આજે પણ મૂર્તિકારોએ શાહુકારો પર આધાર રાખવો પડે છે. આ સંજોગોમાં વ્યાજદરની ચઢતી ટકાવારીના વિષચક્રને ડામવા મૂર્તિકારોની ક્રેડિટ સોસાયટી સ્થાપવાના પ્રયાસોના શ્રીગણેશ મંડાઈ ચૂક્યા છે.
ઉત્તરોત્તર વધતી મોંઘવારીમાં મૂર્તિકારોને નાણાં મેળવવા તીવ્ર ઝાળ પહોંચે છે. દુંદાળા દેવની મૂર્તિ માટે તેમણે માટી, રંગ, હીરા-મોતી, વરખ વગેરેની કિંમત ચૂકવવી પડે છે. આની કિંમત દર વર્ષે વધતી જ રહે છે. હાલમાં આ વસ્તુઓની કિંમતમાં ચાલીસ ટકાનો વધારો થયો છે. મૂર્તિનો ઓર્ડર આપનારા ગણેશભક્તો મૂર્તિની કિંમતની ૨૫ ટકા જેટલી રકમ એડવાન્સ તરીકે ચૂકવી છુટા થઈ જાય છે. પરંતુ બાકીની રકમની વ્યવસ્થા આ કાળઝાળ મોંઘવારી કાળમાં ગણેશમૂર્તિ બનાવનારાને શિરે રહે છે. જે આંકડો લાખો પર પહોંચે છે.
દર વર્ષે એક જ મૂર્તિકાર પાસેથી ગણેશમૂર્તિ ખરીદનારા ગ્રાહકો પાસેથી મૂર્તિકાર વધુ નાણાં માગી શકતો નથી.
મુસીબતોને પાર કરતાં મળનારો નફો સાધારણ જેવો હોવાથી મૂર્તિકારે શાહૂકારો પાસેથી ત્રણથી દસ ટકાના ચઢતા દરે નાણાં લેવાં પડે છે.
કરજના ચઢતા વ્યાજને કારણે આ ધંધો હાલમાં ઘણો જ પડી ભાંગવા જેવો બન્યો છે. કરજના ચડતા વ્યાજ દરે નાણાં લેતાં જે વિષચક્રમાં તેઓ સપડાય છે તેને તોડી પાડવા માટે મૂર્તિકાર કો. ઓપરેટિવ કન્ઝ્યુમર ક્રેડિટ સોસાયટી નજીકના સમયમાં ઊભી કરવાની ઘોષણા બૃહદ મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના કાર્યવાહક પ્રમુખ સુરેશ સરનૌબતે કરી હતી.